Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાયા

મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાયા બાદ કહ્યુ કે નફરતની રાજનીતિ મટાડવા માટે સાથે આવવુ જરૂરી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એક વખત કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને મહેન્દ્રસિંહ વાઘેલાની ઘર વાપસી થઇ છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યુ કે, જેમ જેમ સમય નજીક આવે તેમ કોંગ્રેસ પ્લાનિંગ સાથે આગળ વધે છે. મહેન્દ્રસિંહ વાઘેલાની ઘર વાપસી થઇ છે ત્યારે તેમનું હાર્દિક સ્વાગત છે. સમગ્ર ગુજરાતના સામાજિક આગેવાનો એક થઇ રહ્યા છે.

મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાયા બાદ કહ્યુ કે નફરતની રાજનીતિ મટાડવા માટે સાથે આવવુ જરૂરી છે. મે જગદીશભાઇ સામે પ્રસ્તાવ મુક્યો હતો, મને સ્વીકારવા તમામ લોકોનો આભાર માનું છું. ભાજપમાં જોડાયા પછી કોઇ કાર્યક્રમમાં ગયો નથી. ભાજપમાં હતો તેમ છતા મારૂ મન કોંગ્રેસમાં હતું.

મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને વર્ષ 2018ના જુલાઇ માસમાં ભાજપમાં જોડાયા હતા. જોકે, 2018 ઓક્ટોબરમાં અચાનક પાર્ટી અધ્યક્ષને રાજીનામું મોકલીને ભાજપને રામ રામ કહ્યા હતા. 4 વર્ષ અને 10 દિવસ પછી ફરી એક વખત મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે.

(6:31 pm IST)