Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

હવે નિયમો તોડશો તો દંડ થશે: તહેવારો પૂરા થતા જ અમદાવાદ પોલીસે ટ્રાફિક દંડાત્મક કાર્યવાહી શરૂ કરી

--ટ્રાફિક પોલીસ સ્થળ પર તો મેમો પકડાવશે જ અને ઈ-મેમો પણ આવી જશે. ટ્રાફિક પોલીસ સક્રિય થઈ ગઈ છે અને નિયમો તોડનારા સામે દંડ વસૂલશે

અમદાવાદ :અમદાવાદ ટ્રાફિક પોલીસે દંડ વસુલવાનું શરૂ કર્યું છે. કોઇ પણ પ્રકારના નિયમોનો ભંગ કરશો તો સ્થળ પર તો મેમો આપવામાં આવશે જ સાથે સાથે ઇ મેમો પણ હવે આવી જશે. તાજેતરમાં દિવાળીના તહેવારને લઇને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસ દંડ નહિ વસુલે તેવી જાહેરાત કરી હતી. જેને લઇને તા. 21થી 27 સુધી પોલીસે લોકોને સ્થળ પર મેમો કે ઇ મેમો આપ્યા નહોતા અને દંડ પણ વસુલ્યો નહોતો. સાથે જ પોલીસે ગુલાબના ફુલ આપી લોકોને દિવાળીની શુભેચ્છા આપવાની સાથે નિયમો પાળે તેવી આશા રાખી હતી  

હવે તહેવાર પૂર્ણ થતા જ લોકોએ ફરી એક વાર નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે કારણ કે 28મી થી જ ટ્રાફિક પોલીસે દંડ વસુલવાનું શરૂ કરી દીધું છે. તહેવાર દરમિયાન ભલે ટ્રાફિક પોલીસે સામાન્ય દંડ પણ વસુલ્યો ન હતો પણ રેસિંગ કરનાર, વધુ સ્પીડમાં વાહન ચલાવનાર, રોંગ સાઇડમાં વાહન ચલાવનાર અને લોકોની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી ન કરી તેઓની સામે ગુના નોંધ્યા હતા.

આ તમામ વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કલમ 188, 279, 283 મુજબ કાર્યવાહી કરી હતી. જેમાં એક જ અઠવાડિયામાં ટ્રાફિક પોલીસે 34 ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યારે હવે ફરી એક વાર ટ્રાફિક પોલીસ સક્રિય થઇ છે. જેમાં પોલીસ નિયમો તોડનાર સાથે રેસિંગ કરનાર, વધુ સ્પીડમાં વાહન ચલાવનાર, રોંગ સાઇડમાં વાહન ચલાવનાર અને લોકોની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવનાર સામે વધુ કડક કાર્યવાહી કરવા સજ્જ બની છે. લોકોએ પણ પોતાની અને લોકોની જિંદગી બચાવવા ટ્રાફિકના નિયમો પાળવા જરૂરી બન્યુ છે.

 21 ઓક્ટોબરે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગૃહ રાજ્યમંત્રીએ તહેવારો દરમિયાન ટ્રાફિક દંડ નહીં વસુલવાની જાહેરાત કરી હતી. સાથોસાથ હર્ષ સંઘવીએ લોકોને ઉદ્દેશીને જણાવ્યુ હતુ કે તમારી દિવાળીની ખરીદીની જે બચતના પૈસા હોય તે ટ્રાફિક પોલીસના દંડમાં ન જાય તેને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.

(7:49 pm IST)