Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

રાજ્યમાં પ્રથમ સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન અને ડેટા સેન્ટર્સનું થશે નિર્માણ:સરકારે લાઇટ સ્ટોર્મ સાથે કર્યા MoU

સાયન્સ ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નહેરા અને લાઇટ સ્ટોર્મના CEO અમાજીત ગુપ્તાએ પ્રથમ સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટેના MoU પર હસ્તાક્ષર કર્યા

વડાપ્રધાન મોદીના ડિઝીટલ ઇન્ડીયા મિશન અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત IT/ITes પોલિસી 2022-27ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ડિજિટલ ઇનોવેશનને વેગ આપવા જાહેર કરવામાં આવી છે. ત્યારે આ સંદર્ભમાં મુખ્યમંત્રીની હાજરીમાં ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે રૂ. 1 હજાર કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટેના MoU સંપન્ન થયા છે.

ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નહેરા અને લાઇટ સ્ટોર્મના CEO અમાજીત ગુપ્તાએ પ્રથમ સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટેના MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ MoUના પરિણામે આગામી 5 વર્ષમાં ગુજરાતની IT Policy (2022-27) હેઠળ બે હજાર કરતાં વધુ રોજગારીનું સર્જન થશે. એટલું જ નહિ, આ પ્રોજેક્ટ અંતર્ગત યુરોપથી સીધો જ ગુજરાતમાં સબમરીન કેબલ સ્થપાશે, જેના કારણે યુરોપ, મિડલ ઇસ્ટ, યુ.એસ. અને એશિયા સાથે Data Connectivityમાં વધારો થશે અને રાજ્યમાં ડેટા સેન્ટર જેવા ઇન્ફ્રાસ્ટ્રકચરની સ્થાપનાને વેગ મળવા સાથે આવા કેબલ લેન્ડીંગ સ્થાપનારૂં દેશનું ત્રીજુ રાજ્ય બનવાની દિશા ગુજરાત માટે ખૂલી છે.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી IT Policy (2022-27) એ સમગ્ર IT સેક્ટરમાં આકર્ષણ પેદા કર્યુ છે. ટેક્નોલોજીકલી એડવાન્સ ડેટા સેન્ટરોને પ્રોત્સાહિત કરીને રાજ્યમાં CLSની સ્થાપનાને સમર્થન મળશે. રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ (EGI) અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જેવા અનન્ય અને સક્ષમ પ્રોત્સાહનોનો ઉદભવ થયો છે. આ પોલિસી ભારતીય IT ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન પોલિસી લેન્ડસ્કેપમાં પ્રથમ વખત CAPEX-OPEX મોડલનો નવીન ખ્યાલ પણ રજૂ કરે છે.

પોલિસી જાહેર થયાના 7 મહિના જેટલા ટૂંકાગાળામાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક IT કંપનીઓ સાથે 16 જેટલા એમઓયુ થયા છે, તેના કારણે 28,750 કુશળ IT રોજગારીનું સર્જન થવાની સંભાવના છે. ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે થયેલા આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ ડી.એસ.ટી ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(9:26 pm IST)