Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

વાગરા વિધાનસભા માટે ધારાસભ્યનું શક્તિપ્રદર્શન : જંબુસર બેઠક માટે મુરતિયાઓની મેરેથોન દાવેદારી

-જંબુશર બેઠકમાં પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, ડી.કે.સ્વામી, કિરણ મકવાણા, વિરલ મોરી, બળવંત પઢીયાર, વિલાસબેન રાજ અને કૃપા દોષી સહિતે 15 થી વધુએ ચૂંટણી લડવા ઉત્સુકતા બતાવી

 

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયાના બીજા દિવસે બપોર સુધી જંબુસર બેઠક માટે મુરતિયાઓની મેરેથોન દાવેદારી ચાલી હતી. જ્યારે વાગરા વિધાનસભા માટે વર્તમાન ધારાસભ્યનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું.

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચ બેઠક માટે ગુરુવારથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ભાજપની સેફ અને સિક્યોર ભરૂચ તેમજ અંકલેશ્વર વિધાનસભા માટે ઉમેદવારોને સાંભળવાની અને તેમની દાવેદારીની કામગીરી પૂર્ણ થયા બાદ આજે વાગરા તેમજ જંબુસર બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

  ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આજે શુક્રવારે સવારથી જ ઉમેદવારો, સમર્થકોની હાજરી વચ્ચે ભાજપના નિરીક્ષકો ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમીષાબહેન સુથાર દ્વારા એક બાદ એક દાવેદારોને સાંભળવામાં આવ્યો હતો. જંબુસર બેઠક માટે ભાજપમાંથી દાવેદારી નોંધાવવા ઉમેદવારોની હારમાળા સર્જાઈ ગઈ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, ડી.કે.સ્વામી, કિરણ મકવાણા, વિરલ મોરી, બળવંત પઢીયાર, વિલાસબેન રાજ અને કૃપા દોષી સહિતે 15 થી વધુએ ચૂંટણી લડવા ઉત્સુકતા બતાવી હતી.

બપોર બાદ વાગરા વિધાનસભા માટે હાઈ વોલ્ટેજ જોવા મળ્યો હતો. વર્તમાન ધારાસભ્ય અને સહકારી આગેવાન અરૂણસિંહ રણાએ શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું. તેઓ તેમના ટેકેદારો, સમર્થકો અને મત વિસ્તસરના ગામોના સંખ્યા બંધ સરપંચોના સમર્થનને લઈ દાવેદારી કરવા આવી પોહચ્યા હતા. તેઓ ઉપરાંત વાગરા બેઠક માટે સંજયસિંહ ચાવડા, ધીરમ ગોહિલ, શૈલેષ પટેલ સહિતે મુખ્ય દાવેદારી નોંધાવી હતી. રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ આ પ્રક્રિયામાં સંગઠનના સભ્યો, ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:48 pm IST)