Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ સામે પાટીદાર નેતા ચિરાગ પટેલ, વરુણ પટેલ અને તેજશ્રીબેન પટેલે દાવેદારી નોંધાવી

વરુણ પટેલ અને ચિરાગ પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલની સાથે સક્રિય ભૂમિકા ભજવી હતી

અમદાવાદ :વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, આજે વિરમગામ બેઠક પરથી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે.આ બેઠક પર દાવેદાર મનાતા હાર્દિક પટેલની મુશ્કેલી વધતી જોઈ શકાય છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા સક્રિય ભૂમિકા ભજવનાર હાર્દિક પટેલ સામે હવે પાટીદાર સમાજના નેતા ચિરાગ પટેલ, વરુણ પટેલ અને તેજશ્રીબેન પટેલે દાવેદારી નોંધાવી છે. જે પૈકી વરુણ પટેલ અને ચિરાગ પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલની સાથે સક્રિય ભૂમિકા ભજવી હતી.

જો કે વરુણ પટેલ અને ચિરાગ પટેલ 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાઈ ગયા હતા. જ્યારે હાર્દિક પટેલ થોડા મહિના અગાઉ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયા હતા. એ સમયે પણ ચિરાગ પટેલ અને વરુણ પટેલે હાર્દિકનો વિરોધ કર્યો હતો.

હાર્દિક પટેલે વિરમગામ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. આ માટે હાર્દિક પટેલે લોક સંપર્ક સહિત વિવિધ સામાજિક કાર્યક્રમોમાં સક્રિય ભાગ લઈને પ્રચાર-પ્રસાર કરવાનું શરૂ કરી દીધુ છે. જેના કારણે વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલને ટિકિટ મળવાની પ્રબળ સંભાવના જોવાઈ રહી છે. આજે હાર્દિક પટેલના સમર્થકોએ વિરમગામ વિધાનસભાની સેન્સ પ્રક્રિયામાં હાર્દિક પટેલની દાવેદારી નોંધાવી હતી.

બીજી તરફ પાટીદાર નેતા અને ભાજપમાં જોડાયેલા વરુણ પટેલ અને ચિરાગ પટેલે પણ વિરમગામ બેઠક પરથી જ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવતા હાર્દિકની મુશ્કેલી વધી છે

(11:28 pm IST)