Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

નવસારીમાં આદિવાસી મતદારોને રીઝવવા એક સાથે ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓની કવાયત

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન નવસારીની મુલાકાત લેશે:રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત નવસારીના લુન્સીફુઈથી આદિવાસીઓના હક્ક માટેની લડાઈમાં જોડાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર આદિવાસી મત બેંક પર છે. ત્યારે ફરી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આદિવાસીઓને રીઝવવા પ્રયાસ કરશે.નવસારીમાં એક સાથે ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓ રાજકીય મુલાકાત લેશે. આદિવાસી મતદારોને રીઝવવા દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન નવસારીની મુલાકાત લેશે અને ભાજપના મંત્રી નરેશ પટેલના વિસ્તારમાં સભા યોજી મતદારોને રિઝવવાનો પ્રવાસ કરશે.

બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત નવસારીના લુન્સીફુઈથી આદિવાસીઓના હક્ક માટેની લડાઈમાં જોડાશે. જેને લઇ રાજકારણ ગરમાયું છે. ભાજપે કહ્યું કે ગમે તેવો પ્રચાર કરે ભાજપને કોઇ ફરક નહીં પડે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે જણાવ્યુ કે ચૂંટણી નજીક છે એટલે બહારના લોકો પ્રચાર માટે આવતા હોય છે પરંતુ ભાજપ માટે કોઈ પડકાર નથી. વધુમાં તેમણે ઉમેર્યુ કે નવસારી જિલ્લાની ચારેચાર વિધાનસભા બેઠકો માટે જંગી બહુમતી સાથે જીતીશું.

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે રાજકીય જમીન સેટ કરવાનો જંગ છે તો ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે અને કોંગ્રેસ અસ્તિત્વ બચાવવા પ્રયાસો કરી રહી છે. જેમા ભાજપનો ગઢ અને હાઈપ્રોફાઈલ બેઠક નવસારીમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓના પ્રવાસને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમટાઉનમાં એકસાથે ત્રણ સીએમ પોતાનો રાજકીય દાવ ખેલવા આવી રહ્યા છે. ત્યારે આ મુલાકાતનું મહત્વ ઘણુ વધી જાય છે

(12:26 am IST)