Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

મહેમદાવાદ સીટ પર ભાજપમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યએ દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયું

પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણનો ભત્રીજો અને બે પુત્ર વધુએ એટલે કે, જેઠ, જેઠાણી અને દેરાણી ત્રણેય મહેમદાવાદ વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે ખેડા  જિલ્લામાં પણ 27 અને 28 એમ બે દિવસ છ વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. મહેમદાવાદ વિધાનસભામાં ભાજપમાંથી પૂર્વ મંત્રી એવા સુંદરસિંહ ચૌહાણના પરિવારમાંથી ત્રણ વ્યક્તિઓએ ટિકિટ માંગી છે. જેમાં સુંદરસિંહ ચૌહાણનો ભત્રીજો અને બે પુત્ર વધુએ એટલે કે, જેઠ, જેઠાણી અને દેરાણી ત્રણેય મહેમદાવાદ વિધાનસભા બેઠક માટે ભાજપ માંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે.

મહેમદાવાદ વિધાનસભા બેઠક પર ચાર વખત ધારાસભ્ય પદે ચૂંટાઈ ચૂકેલા, બે વખત રાજ્યકક્ષાના મંત્રી તથા એક વખત સંસદિય સચીવ રહી ચૂકેલા સુંદરસિંહ ચૌહાણનો ભત્રીજો પ્રવિણસિંહ માનસિંહ ચૌહાણ, પ્રવિણસિંહના પત્ની નીતાબેન પ્રવીણસિંહ ચૌહાણ તથા અન્ય ભત્રીજા વહુ દીપિકાબેન જીગ્નેશ કુમાર ચૌહાણે મહેમદાવાદ વિધાનસભા બેઠક માટે ભાજપમાં ટીકીટ માટે દાવેદારી નોંધાવી છે. એટલે એક જ પરિવારમાં પતિ – પત્ની, અને દેરાણી – જેઠાણી એકબીજાની સાથે ઉભા રહેવાની જગ્યાએ એકલા ઉભા રહેવાની વેતરણમાં લાગી ગયા છે.

ઉલ્લેખનીય છે કે આ બાબતે મીડિયા સાથે વાત કરતા દીપિકાબેનના પતિ જીગ્નેશકુમાર ચૌહાણ કહ્યું હતું, અમારે તો રાજકારણમાં આવવું છે. ટિકિટ જેને મળે તેને અમે ખુશ છીએ. અમે તો સંયુક્ત પરિવારમાં રહીએ છીએ માટે બધા સાથે જ છીએ. જો કે ચૂંટણી નિષ્ણાંતોનું માનવું છે કે આ વાત ગળે ઉતરે તેમ નથી.

બીજી બાજુ ભાજપના કદાવર નેતા  મહેમદાવાદ વિધાનસભામાં હાલમાં કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય એવા અર્જુનસિંહ ચૌહાણ પણ ટિકિટ માંગી છે. આ સીટ પર બીજેપી કોને ટિકિટ આપે છે તે જોવુ રસપ્રદ બની રહેશે. કારણ કે ભૂતકાળમાં આંતરિક વિખવાદોના કારણે ભાજપે આ સીટ ગુમાવી પડી હતી. જો કે આ વખતીનું ફિલ્માંકન જુદા જ સમીકરણો સ્પષ્ટ કરે છે

(12:54 am IST)