Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ઉસ્માનપુરા, ચાંદલોડિયા, ચાંદખેડામાં કોરોના વકર્યો

અમદાવાદમાં ચાર વિસ્તારોમાં કેસો વધ્યા : કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા કેટલાક વોર્ડની ઓળખ કરીને તંત્ર દ્વારા કોર્ડન કરવાની શરૂઆત કરી દેવામાં આવી

અમદાવાદ,તા.૨૭ : ગુજરાતમાં કોરોનાનો કહેર ફરી એકવાર જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાનો સૌથી વધારે કહેર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ ફરી એકવાર કોરોના હોટસ્પોટ સાબિત થઇ રહ્યું છે. તેવામાં અમદાવાદ કોર્પોરેશન તંત્ર પણ કડક હાથે કામગીરી કરી રહ્યું છે. જેમ જેમ કેસમાં વધારો થતો જઇ રહ્યો છે તેમ તેમ સરકારની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે.

કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા કેટલાક વોર્ડની ઓળખ કરીને હવે કોર્પોરેશન તંત્ર દ્વારા તેને કોર્ડન કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કન્ટેઇનમેન્ટ ઝોન બનાવીને સંક્રમણ અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરનાં ઉસ્માનપુરા, ચાંદલોડિયા,ચાંદખેડા અને થલતેજમાં કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના પગલે તેમાં રહેલી કેટલીક સોસાયટીઓની ઓળખ કરીને તેને માઇક્રોકન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઉસ્માનપુરાની વિદ્યાનગર સોસાયટીના બંગ્લાને માઇક્રોકન્ટેઇનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યો છે.

શહેરમાં કુલ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં થલતેજના અહર્મ બંગ્લોઝનો પણ સમાવેશ થાય છે. અહર્મ બંગ્લોઝનાં મકાનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૧૨ લોકો રહે છે. ગત્ત ૨૪ કલાકમાં ૫૨ નવા કેસ સામે આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના ૧૨૦ને પાર પહોંચી ચુક્યો છે. જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ તેમ કોરોનાને નાથવા માટે તંત્ર દ્વારા વધારે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઇ પણ સ્થિતિને પહોંચી વળવાનાં હેતુસર અત્યારથી ટ્રેસિંગ અને ટેસ્ટિંગ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. અંગે ગુજરાતના આરોગ્ય વિભાગ સાથે સતત સંકલન સાધીને કામગીરી કરવામાં આવી રહી છે.

(8:56 pm IST)