Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

રાજ્યના 32 તાલુકામાં માવઠું : બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો

મોરબી, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભર શિયાળે કમોસમી વરસાદ હળવદના રણકાંઠા વિસ્તાર ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણીમાં વરસાદ:કચ્છના માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં કરા પડ્યાં

અમદાવાદ :રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો છે. મોરબી, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભર શિયાળે કમોસમી વરસાદ થયો છે.

હળવદના રણકાંઠા વિસ્તાર ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણીમાં વરસાદ થયો છે. આથી વિશેષ કમોસમી વરસાદ વચ્ચે કચ્છમાં કરા પડ્યાં છે. માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં. કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે.

ઉત્તર ગુજરાતાના કેટલાક જિલ્લામાં મોડી રાત્રે માવઠું થયું હતુ. મહેસાણા-સાબરકાંઠા જિલ્લામાં રાત્રે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જણાવી દઈએ કે, મોંઘવારી વચ્ચે કમોશમી વરસાદે ખેડૂતોને ખુબ જ ઉંડી ચિંતામાં નાંખી દીધા છે.

ભરશિયાળે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને માથે મુશ્કેલીના વાદળો છવાયા છે. રાયડો, ઘઉં, જીરું, કપાસ, એરંડાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

(6:51 pm IST)