Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સાબરકાંઠા અને પોરબંદરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો :આરોગ્યતંત્ર હરકતમાં

જામનગર અને રાજકોટ બાદ હવે પોરબંદરમાં પણ ઓમિક્રોનનો કેસ :નૈરોબીથી આવેલા 65 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : ઓમિક્રોનના કેસો નોંધાતા સરકાર એલર્ટ થઈ છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરાઈ છે, ત્યારે સાબરકાંઠા અને પોરબંદરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે, હાલ આ બન્ને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતમાં ઓમિક્રોનનો પગપેસરો વધતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જામનગર અને રાજકોટ બાદ હવે પોરબંદરમાં પણ ઓમિક્રોનનો કેસ નોંધાયો છે. નૈરોબીથી આવેલા 65 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદેશથી આવેલા વૃદ્ધનો પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેમને હોમ આઈસોલેટ કરાયા હતા. જેના 10 દિવસ બાદ ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. શહેર-જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

દરમિયાન, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. ભારતમાં આ નવા વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા 653 થઈ ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. ઓમિક્રોન વેરિઅન્ટના મોટાભાગના કેસો અહીં નોંધાયા છે.

(6:56 pm IST)