Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

જેઈઈ મેઈન અંગે વિદ્યાર્થી-વાલીઓ મૂંઝવણમાં મુકાયા

એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાય છે : જેઈઈ પરીક્ષા માટે ડિસેમ્બરમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ કરી દેવાય છે, પરંતુ એજન્સી દ્વારા પ્રક્રિયા કરાઈ નથી

અમદાવાદ, તા.૨૮ : જે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો હોય તેમના માટે જેઈઈ પરીક્ષા લેવામાં આવે છે જેનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં નવા વર્ષ માટે થનારી જેઈઈ પરીક્ષા માટે ડિસેમ્બરમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ એજન્સી દ્વારા હજી સુધી આ પ્રક્રિયાની શરુઆત કરવામાં નથી આવી.

પાછલા એક વર્ષમાં ચાર વખત આ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે આગામી વર્ષે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં જેઈઈ-મેઈન લેવાશે કે નહીં તે પ્રશ્ન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશની આઈઆઈટી સહિતની અન્ય ટેક્નિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે. પહેલા વર્ષમાં એક વખત જેઈઈ લેવામાં આવતી હતતી, પરંતુ ગયા વર્ષથી વિદ્યાર્થીઓની સહુલત માટે વર્ષમાં ચાર વખત જેઈઈ લેવાની જાહેરાત કરવામાં આવી હતી. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે તમામ ચાર પરીક્ષાઓની તારીખમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ઘણીવાર તારીખ જાહેર કર્યા પછી પણ બદલી કાઢવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૨ માટે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં જેઈઈ પરીક્ષાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક મહિના પહેલા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવે છે. પરંતુ ડિસેમ્બર સમાપ્ત થવા આવ્યો ત્યાં સુધી કાર્યવાહી શરુ કરવામાં નથી આવી અને કોઈ પ્રકારની જાહેરાત પણ કરવામાં નથી આવી.

વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે. શક્ય છે કે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાની કાર્યવાહી શરુ કરવામાં ન આવતી હોય. નોંધનીય છે કે વિદ્યાર્થી જો ચાર પરીક્ષા આપે તો તેમાં સૌથી વધારે જે માર્ક હોય તેને માન્ય ગણવામાં આવશે, માટે મોટાભાગના વિદ્યાર્થીઓ ચાર પરીક્ષા આપતા હોય છે. દેશભરના લગભગ ૧૧થી ૧૨ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં હાજર રહેતા હોય છે.

(8:53 pm IST)