Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સાણંદમાં કારે દંપત્તિને મારી ટક્કર, મહિલાનું મોત થયું

અકસ્માતનો સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા : આરોપીની ધરપકડ બાદ જાણવા મળ્યું કે આરોપી નીરવ બેંકમાં મેનેજર છે અને ધ્યાન ભટકી જવાથી અકસ્માત થયો

અમદાવાદ, તા.૨૮ : અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સાણંદ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે આરોપી નીરવ ભગોરા કેનરા બેંકમાં મેનેજર હોવાનું સામે આવ્યું છે. આ મામલે સાણંદ પોલીસે અલગ-અલગ કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ૨૭ ડિસેમ્બરના રોજ મરનાર મહિલા પોતાના પતિ સાથે જમીને ચાલવા નીકળ્યા હતા ત્યારે કાર ચાલકે ટક્કર મારતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે સારવાર દરમિયાન કાજલબેન પટેલનું મોત થયું છે અને તેમના પતિ અરવિંદ ભાઈ હાલ સારવાર હેઠળ છે. ફરિયાદીનું કહેવું છે કે તેમના કૌટુંબિક ભાઈ તેમની નજીક એક સોસાયટીમાં ભાડે રહે છે અને તેમની ઉપર ગઈ કાલે ફોન આવ્યો કે તેમના કૌટુંબિક ભાઈનો અકસ્માત થયેલ છે.

જેથી તે હોસ્પિટલ ગયા ત્યારે ખબર પડી કે ભાઈની પત્નીનું મોત થઈ ગયું છે. વધુમાં જાણવા મળ્યું છે કે મરનાર મૂળ ભાવનગરના રહેવાસી છે અને સાણંદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપી નીરવ ભગોરા બેંકમાં મેનેજર છે અને ધ્યાન ભટકી જવાથી આ અકસ્માત થયો છે. સુરતના અમરોલી વિસ્તારમાં છાપરા ભાટા નજીક આવેલ સીતારામ મઢુલી ચાર રસ્તા પાસે એક ટ્રકે બાળકીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી. દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં તે રસ્તા પર દોડી રહ્યા છે જેના કારણે માસૂમ બાળાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડી પોલીસને હવાલે કર્યો હતો. જોકે માત્ર ૨૪ કલાકમાં ડ્રાઇવર જામીન પર છૂટી જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.

(8:54 pm IST)