Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વડોદરાના વાસણા ઇસ્કોન રોડ નજીક વહેલી સવારે મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા બે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરના વાસણા ઇસ્કોન રોડ વિસ્તારમાં આજે વહેલી સવારે મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા મકાન નો ભાગ ધરાશાય થયો હતો અને આસપાસના મકાનોને ભારે નુકસાન થયું હતું. બનાવને પગલે વડોદરા ફાયર બ્રિગેડ ની ટીમ દોડી ગઈ હતી અને બચાવ કામગીરી કરી હતી. બનાવમાં બે મહિલા ગંભીર છે જ્યારે ત્રણથી ચાર જણા ને સાધારણ ઇજા હોવાનું જાણવા મળ્યું છે. વાસણા રોડના દેવનગરમાં મોડી રાત્રે ગરબા પૂરા થયા બાદ લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે વહેલી સવારે એકાએક પ્રચંડ વિસ્ફોટ થતા લોકો ગભરાઈ ગયા હતા. કેટલાક લોકોએ ધરતીકંપ થયો હોવાનું પણ માની લીધું હતું અને બચાવ માટે બહાર દોડી આવ્યા હતા. દેવનગરના 106 નંબરના મકાનમાં રહેતા જયેશભાઈ વિજયભાઈ જૈન તેમના માતા પુત્ર સહિતના પરિવાર સાથે ઘરમાં હાજર હતા ત્યારે પરિવારની મહિલાએ ચા બનાવવા માટે ગેસ સળગાવવા જતાં જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ સાથે ઘરની અંદર પ્રસરી ગયેલો ગેસ ફાયરબોલ બનીને ફરી વળ્યો હતો. જેથી રાતથી જ ગેસ લીકેજ થઈને આખા ઘરમાં પ્રસરી ગયો હોવાનું મનાય છે.

(5:36 pm IST)