Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમેરિકા સાથેના તૈવાનના વધી રહેલ સંબંધોના કારણોસર તૈવાનને ચીને ખતરનાક ગણાવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા તૈવાન આસપાસ ફરી યુદ્ધ અભ્યાસ શરૂ કરાયો છે. અમેરિકા સાથેના તૈવાનના વધી રહેલા સંબંધોને લીધે ચીને તૈવાનને 'ખતરનાક' જણાવ્યું છે. છેલ્લા એક મહિનામાં ચીની સેનાએ તૈવાન અને આસપાસના પ્રદેશોમાં યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી દીધી હતી. આ માટે તાઇપે અને વોશિંગ્ટન વચ્ચે મિલી-ભગત હોવાનો આક્ષેપ કરતાં 'કોમ્બેટ રેડીનેસ પેટ્રોલ' અનિવાર્ય હોવાનું ચીને જણાવ્યું છે.

પીએલએના 'પૂર્વ થિએટર કમાન્ડે' આ યુદ્ધભ્યાસની ઘોષણા કરતાં કહ્યું હતું કે, યુએસ તૈવાનની મિલી-ભગત સામે આ કાર્યવાહી અનિવાર્ય છે. અમેરિકા તૈવાનને એક 'ખતરનાક' સ્થિતિમાં ધકેલી રહ્યું છે. જોકે ચીને પી.એલ.એ.ના આ યુદ્ધાભ્યાસનું વિવરણ તો પ્રસિદ્ધ કર્યું ન હતું.

વાસ્તવમાં ચીનની આ પોલ ત્યારે ખુલ્લી પડી ગઈ કે જ્યારે ૩૦થી વધુ ચીની યુદ્ધ વિમાનોએ તૈવાનના આકાશી ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે તે પછી તુર્તજ તૈવાની એરફોર્સનાં વિમાનો સક્રિય બન્યા અને ચીની વિમાનોને નસાડી મુક્યા હતાં.

આ પૂર્વે અમેરિકા સેનેટર, ટેમી ડેહવર્થ તૈવાનની મુલાકાતે ગયા હતા અને તૈવાનને પૂરૂં પીઠબળ મળશે તેવી ખાતરી ઉચ્ચારી હતી. ત્યારથી ચીન તૈવાન પર વધુ ગિન્નાયું છે.

(5:44 pm IST)