Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

આખેઆખી સ્‍કૂલની ચોરી થઇ ગઇ

કેપટાઉન,તા. ૪ : અત્‍યાર સુધી તમે ચોરીની અનેક ઘટનાઓ જોઈ અને સાંભળી હશે. જોકે ચોરીના આ અજબ કિસ્‍સામાં ચોરોએ એક આખી સ્‍કૂલને જ ગાયબ કરી લીધી હતી. તેમણે એ રીતે ચોરી કરી કે સ્‍કૂલનો હવે ફક્‍ત પાયો જ બચ્‍યો છે.

આ ઘટના સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં બની છે. ચોરો ઉઇતઝિગ સેકન્‍ડરી સ્‍કૂલનાં બ્‍લેકબોર્ડ, પંખા, બલ્‍બ, ખુરશી, દરેકેદરેક ઈંટ, વિન્‍ડો, છતની ટાઇલ્‍સ તેમ જ ટોઇલેટ પણ ચોરી ગયા હતા. આ સામાનને તેમણે બહાર વેચી દીધો હોવાની પોલીસને શંકા છે.

આ સ્‍કૂલને ૨૦૧૯માં બંધ કરી દેવામાં આવી હતી અને સ્‍ટુડન્‍ટ્‍સને પાસેની બીજી સ્‍કૂલમાં શિફટ કરવામાં આવ્‍યા હતા. એ પછી આ સ્‍કૂલના બિલ્‍ડિંગ પર ચોરોની નજર ગઈ હતી. તેમણે માત્ર છ મહિનામાં જ આખી સ્‍કૂલની ચોરી કરી હતી. સોશ્‍યલ મીડિયા પર આ સ્‍કૂલના ફોટોગ્રાફસ મૂકવામાં આવતાં એના વિશે અત્‍યારે ચર્ચા ચાલી રહી છે.

સ્‍થાનિક લોકોએ દાવો કર્યો હતો કે આ સ્‍કૂલમાં એક ભવ્‍ય એન્‍ટ્રી ગેટ, હોલ, પાંચ ક્‍લાસરૂમ અને બે ટોઇલેટ હતાં. એ સિવાય ફર્નિચર, વીજળીનો સામાન અને બીજો જરૂરી સામાન હતો. જોકે ચોર એક પછી એક એમ તમામ સામાન ચોરી ગયા હતા.

(10:46 am IST)