Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગધેડાના ચામડા અને પ્રાઇવેટ પાર્ટની માંગ વધી ! દવાઓ બનાવવા માટે થાય છે ઉપયોગ

ચીની નાગરિકો તેમના ફાર્માસ્‍યુટિકલ ઉદ્યોગોમાં ઉપયોગ માટે ગધેડાના ચામડા અને પ્રાઇવેટ પાર્ટ ખરીદવા ઉત્‍સુક છેઃ ચાઇનીઝ ફાર્માસ્‍યુટિકલ અને ફર્ટિલિટી પ્રોડક્‍ટના ઉત્‍પાદન માટે ગધેડાના શારીરિક ભાગનો ઉપયોગ કરી રહ્યા છે

બીજીંગ, તા.૧૧: ચીન અને દક્ષિણ કોરિયા અત્‍યારે ગધેડામાંથી મળતી પ્રોડક્‍ટનું મુખ્‍ય બજાર છે. ગધેડાના ચામડા અને પ્રાઇવેટ પાર્ટની માંગ છે. જેનો ઉપયોગ પ્રજનન ક્ષમતા સહિતની દવાઓના ઉત્‍પાદન માટે કરવામાં આવે છે. કેન્‍યામાંના નૈવશા, મોગોટિયો અને લોદવારમાં કતલખાના છે, જ્‍યાં પણ ગધેડાની માંગ વધી રહી છે.
નૈવાશા સ્‍થિત સ્‍ટાર બ્રિલિયન્‍ટ કતલખાનાના ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર જ્‍હોન ન્‍ગોન્‍જો કરિઉકીએ કહેવું છે કે, આ ક્ષેત્ર સામે અનેક પડકારો હોવા છતાં છેલ્લા એક વર્ષમાં ગધેડાની પ્રોડક્‍ટનું ઉત્‍પાદન બમણું થયું છે.
તેમના મત મુજબ, ચીની નાગરિકો તેમના ફાર્માસ્‍યુટિકલ ઉદ્યોગોમાં ઉપયોગ માટે ગધેડાના ચામડા અને પ્રાઇવેટ પાર્ટ ખરીદવા ઉત્‍સુક છે. ચાઇનીઝ ફાર્માસ્‍યુટિકલ અને ફર્ટિલિટી પ્રોડક્‍ટના ઉત્‍પાદન માટે ગધેડાના શારીરિક ભાગનો ઉપયોગ કરી રહ્યા છે.
કતલખાનામાં હાલમાં દરરોજ ૧૦૦થી વધુ ગધેડાની કતલ થઈ રહી છે, પરંતુ રેફ્રિજરેટિંગ મશીનની વ્‍યવસ્‍થા પછી આ બમણું થવાની ધારણા છે. દક્ષિણ કોરિયામાં નવું બજાર છે અને હવે ગધેડાના દૂધની નિકાસ શરૂ કરવાની યોજના પણ છે. ગધેડાના દૂધને પૌષ્ટિક માનવામાં આવે છે.
આ પ્રવાસ દરમિયાન, ન્‍ગોન્‍જોએ દેશના કેટલાક ભાગોમાં ગધેડાના વધારા માટે તે જવાબદાર હોવાની વાત વચ્‍ચે આ ક્ષેત્રનો બચાવ કર્યો હતો અને ઉમેર્યું હતું કે તેઓ સ્‍થાનિક વહીવટ અને પશુચિકિત્‍સા સેવાઓના વિભાગ સાથે કામ કરી રહ્યા છે, જેથી ગધેડાઓને કાયદેસર રીતે હસ્‍તગત કરી શકાય.
ગધેડાના ભાગની કોરિયા અને ચીનમાં વધતી માંગ વચ્‍ચે ગધેડાની કતલ સામે કેન્‍યામાં કેટલોક વિરોધ પણ થયો છે. કેટલાક લોકો ગધેડાને ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ત્‍યારે સ્‍થાનિક વહીવટ અને પશુચિકિત્‍સા સેવાઓના વિભાગ સાથે કામ કરી રહ્યા છે.
ઘણા પ્રદેશમાં ગધેડા ચોરીની ઘટનાઓ પણ બની છે. જેથી તંત્ર તે રિકવર કરવા પણ ધંધે લાગ્‍યું છે. આ ક્ષેત્રના ભવિષ્‍ય અંગે રોકાણકારે જણાવ્‍યું હતું કે દેશમાં ત્રણ કતલખાનાઓને ટકાવી રાખવા માટે પૂરતા ગધેડા છે, તેમણે ઉમેર્યું હતું કે ૨૦૦૯ની વસ્‍તી ગણતરી મુજબ, કેન્‍યામાં લગભગ ૨૦ લાખ ગધેડા હતા અને અનુમાન લગાવ્‍યું હતું કે આ સંખ્‍યામાં વધારો થયો છે.
માંગમાં થઈ રહેલા સતત વધારાના કારણે રોકાણકારો પોતાના ગધેડાઓનો ઉછેર શરૂ કરવાની યોજના ચલાવી રહ્યા છે. આ ઉપરાંત દેશભરના પશુપાલકોને ટેકો આપવા માટે વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવનાર છે.

 

(3:41 pm IST)