Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

અફઘાનિસ્તાનમાં મહિલાઓને જિમ સહીત મનોરંજન પાર્કમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારે મહિલાઓ પર અત્યાચાર શરૃ કર્યા છે. અગાઉ અનેક પ્રતિબંધો મૂક્યા પછી હવે નવા પ્રતિબંધો લાગુ પડયા છે. હવે અફઘાનિસ્તાનમાં મહિલાઓ જીમ અને મનોરંજન પાર્કમાં જઈ શકશે નહીં. તાલિબાનના પ્રવક્તાએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ કરાયો હતો. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે મહિલાઓ પર ભેદભાવ શરૃ કર્યો છે. અગાઉ વિદ્યાર્થિનીઓને છ ધોરણ સુધી જ ભણવાની છૂટ આપતો કાયદો બનાવ્યો હતો. એ પછી મહિલાઓને એકલી બહાર ન નીકળવાની તાકીદ કરી હતી. પિતા, પતિ, ભાઈ કે દીકરા સાથે જ મહિલા બહાર નીકળી શકે એવું ફરમાન કર્યા બાદ નોકરીમાંથી પણ મહિલાઓને હાંકી કાઢીને તેના સ્થાને પરિવારના પુરુષોને નોકરીએ રાખવાની શરૃઆત કરાઈ હતી. એ સિલસિલામાં  હવે નવી જાહેરાત થઈ છે. તાલિબાનના પ્રવક્તાએ જાહેરાત કરી હતી એ પ્રમાણે મહિલાઓ જીમ અને મનોરંજન પાર્કમાં જઈ શકશે નહીં. તાલિબાનની સરકારે આ નિર્ણયનું કારણ આપતા કહ્યું હતું કે મહિલાઓ જીમમાં ચોક્કસ પ્રકારના કપડા અને હિજાબ પહેરવાના નિયમોનું પાલન કરતી નથી, એવું જ એમ્યૂઝમેન્ટ પાર્કમાં પણ થઈ રહ્યું છે. આ નિર્ણય પછી કાબુલમાં મહિલાઓને મનોરંજન પાર્કમાં જતી રોકવામાં આવી હોવાના બનાવો સામે આવ્યા હતા. પોતાના પૌત્રોને લઈને મનોરંજન પાર્કમાં પહોંચેલી મહિલાઓને પણ ત્યાંથી ઘરે પાછી મોકલી દેવામાં આવી હતી. તાલિબાનના આ અત્યાચાર અને ભેદભાવ સામે સ્થાનિક સંસ્થાઓ ધીમે ધીમે અવાજ ઉઠાવવા લાગી છે, પરંતુ તાલિબાને નવા નવા પ્રતિબંધો મૂકવાનું ચાલુ રાખ્યું છે. તાલિબાનની સરકારે અગાઉ એવું આશ્વાસન આપ્યું હતું કે તેમના શાસનમાં એક મહિલાઓ ઉપર કોઈ અત્યાચાર થશે નહીં તેમને સમાન અધિકારો મળશે. પરંતુ સત્તા હાથમાં આવ્યા બાદ થોડા મહિનામાં જ તાલિબાનની સરકારે એક પછી એક પ્રતિબંધો મૂકવાનું શરૃ કરી દીધું હતું.

(6:43 pm IST)