Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ડિસેમ્બર મહિનામાં અમેરિકામાં ફુગાવો પહોંચ્યો ત્રણ દાયકાની ટોચ સાત ટકાએ

નવી દિલ્હી: અમેરિકામાં ડિસેમ્બરમાં ફુગાવો વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ વધીને ત્રણ દાયકાની ટોચ સાત ટકાએ પહોંચ્યો છે. ફૂડ, ગેસ, ભાડાં અને અન્ય જરૂરિયાતોના ભાવમાં થયેલા વધારાના લીધે અમેરિકાના કુટુંબોના ખર્ચમાં વધારો થયો છે.રોગચાળા પછી આવેલી રિકવરીના લીધે અમેરિકનોએ કાર, ફર્નિચર અને એપ્લાયન્સીસ પાછળના ખર્ચમાં વધારો કરતા ફુગાવામાં આ વધારો નોંધાયો છે. આ ઉપરાંત સેમી કંડક્ટર અને અન્ય પાર્ટ્સની અછતે પણ ભાવવૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગેસના ભાવમાં પણ વધારો થયો છે. આ ભાવવધારાએ અમેરિકનોને મળેલા પગારવધારાને શોષી લીધો છે. તેમા પણ ખાસ કરીને નીચી આવક જૂથમાં આવતા લોકોને હવે મૂળભૂત કે જરૂરિયાતના ખર્ચા જ પોષાઈ શકે છે. અમેરિકનોની હાલમાં મુખ્ય ચિંતા કોરોના છે, પણ હવે ધીમે-ધીમે ફુગાવો તેનું સ્થાન લઈ રહ્યો છે. તેના લીધે પ્રેસિડેન્ટ બિડેન અને કોંગ્રેસનલ ડેમોક્રેટ્સ સામે રાજકીય પડકાર સર્જાયો છે. મંગળવારે ચેર જેરોમ પોવેલે કોંગ્રેસને જણાવ્યું હતું કે જો ઊંચા ફુગાવાને અંકુશમાં રાખવા વ્યાજના દર વધારવા પડયા તો તેઓ તેના માટે તૈયાર છે. ફેડ રિઝર્વના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે લગભગ શૂન્યની નજીક પહોંચી ગયેલા રેટને વધારી શકે છે. કેટલાય અર્થશાસ્ત્રીઓને લાગે છે કે ફેડ ૨૦૨૨માં ચાર વખત વ્યાજદર વધારી શકે છે.

(6:43 pm IST)