Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનમાં એક શખ્સને ફાંસીની સજા આપવામાં આવશે તેવી માહિતી

નવી દિલ્હી : ઈરાનમાં 16 સપ્ટેમ્બરથી શરૂ થયેલ હિજાબ વિરોધી વિરોધ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રથમ વખત વિરોધ પ્રદર્શનમાં સામેલ વ્યક્તિને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. આ સિવાય 5 લોકોને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેહરાનની અદાલતે જે વ્યક્તિને સજા ફટકારી છે, તેના પર સરકારી ઈમારતોમાં આગ લગાડવાનો, રમખાણો ભડકાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, જે લોકોને સજા સંભળાવવામાં આવી છે તેઓ કોર્ટમાં પડકારી શકે છે. 16 સપ્ટેમ્બરે પોલીસ કસ્ટડીમાં 22 વર્ષીય મહેસા અમીનીના મોત બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વાસ્તવમાં, 13 સપ્ટેમ્બરના રોજ મહસા તેના પરિવારને મળવા તેહરાન આવી હતી. તેણીએ હિજાબ પહેર્યો ન હતો. પોલીસે તરત જ મહસાની ધરપકડ કરી હતી. ધરપકડના 3 દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું. અમીનીના મૃત્યુનું કારણ માથામાં થયેલી ઈજાને કારણે જણાવવામાં આવી રહ્યું હતું, પરંતુ તેના પરિવારજનોએ દાવો કર્યો હતો કે, તેને પહેલાથી કોઈ બીમારી નથી. મહસાના પોલીસ સ્ટેશન પહોંચવા અને હોસ્પિટલ જવા વચ્ચે શું થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. ત્યારથી આ મામલો ચર્ચામાં આવ્યો અને લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો. મહસા અમીની જેવા ઘણા લોકો સાથે આવું થયું હતું. હિજાબના વિરોધમાં સામેલ થવા બદલ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ મૃત્યુ પામ્યા હતા. 

(6:09 pm IST)