Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

હે ભગવાન.....ફ્રાન્સમાં આવી રહ્યા છે કોરોનાના દરરોજના એક લાખ કેસ

નવી દિલ્હી  : અમેરિકા અને બ્રિટન પછી હવે કોરોના મહામારીએ ફ્રાન્સમાં હાહાકાર મચાવ્યો છે. ફ્રાન્સમાં સુપરસ્પ્રેડર ઓમિક્રોન વેરિઅન્ટ ફેલાતા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા હતા અને છેલ્લા એક મહિનામાં કોરોના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા બમણી થઈ ગઈ છે. બીજીબાજુ ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસતી ધરાવતા રાજ્યમાં રવિવારે વિક્રમી સંખ્યામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. ચીનમાં પણ બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિક પહેલાં કોરોનાના ૨૦૬ નવા કેસ નોંધાયા છે. કોરોના મહામારીએ યુરોપને ભરડામાં લીધું છે. બ્રિટન પછી હવે ફ્રાન્સમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઊછાળો જોવા મળ્યો છે. પેરિસમાં ગયા સપ્તાહે પ્રત્યેક ૧૦૦માંથી એકથી વધુ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી છે તેમ પ્રાદેશિક સ્વાસ્થ્ય સર્વિસે જણાવ્યું હતું. કોરોનાગ્રસ્ત મોટાભાગના નવા કેસ ઓમિક્રોન સાથે સંકળાયેલા છે અને આગામી દિવસોમાં ફ્રાન્સમાં ઓમિક્રોનના કેસ વધવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. દરમિયાન તાજેતરના મહિનાઓમાં ડેલ્ટા વેરિઅન્ટની ઝપેટમાં આવેલા દર્દીઓનું હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ વધ્યું છે. ફ્રાન્સમાં ગયા સપ્તાહે ૧,૦૦૦થી વધુ લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક ૧,૨૨,૫૪૬ થયો છે.

(8:01 pm IST)