Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ફ્રાન્સના મર્સેલ બંદર પર 70 દિવસથી રાત દિવસ જહાજ પર વિતાવવા મજબુર બન્યા યુક્રેનના શરણાર્થીઓ

નવી દિલ્હી: યુક્રેન પર રશિયાના હુમલાને 94 દિવસ વીતી ગયા છે. હુમલાઓને કારણે 67 લાખથી વધુ યુક્રેનિયન નાગરિકો પોલેન્ડ સહિત અન્ય દેશોમાં હિજરત કરી ગયા છે. સ્થળાંતર કરનારા ઘણા લોકો હજુ પણ ઠેર-ઠેર ઠોકર ખાઈ રહ્યા છે. ફ્રાન્સનું મર્સેલ બંદર આવા 800 લોકો માટે આશ્રયસ્થાન બની ગયું છે. ફ્રાન્સના મર્સેલ બંદરની નજીક 12-ડેકનું જહાજ મેડિટેરરેની તરી રહ્યું છે. કોરોનાને કારણે મેડિટેરરેની જહાજ કેટલાક સમયથી સેવામાં ન હતું, જેને કારણે જહાજના માલિકે તેને યુક્રેનથી શરણાર્થીઓને લાવવા માટે ઉપયોગ કરવા માટે આપી દીધું છે. જર્મનીમાં યુક્રેનથી આવેલા શરણાર્થીઓને કન્ટેનર જહાજમાં રાખવામાં આવ્યા હતા, જેના પર સરકારને માનવાધિકાર કાર્યકરોની ટીકાનો સામનો કરવો પડ્યો, પરંતુ ફ્રાન્સ નજીક મેડિટેરરેનીમાં સમય વિતાવી રહેલા શરણાર્થીઓ બાબતે હજુ સુધી કોઈ અવાજ ઉઠાવવામાં આવ્યો નથી. આ શરણાર્થીઓ માટે આવાજ ન ઉઠાવવા પાછળનું એક કારણ એ પણ છે કે મર્સેલ શહેર પહેલેથી જ હાઉસિંગ સંકટ સાથે ઝઝૂમી રહ્યું છે. ફ્રેન્ચ સત્તાવાળાઓને જહાજ પર શરણાર્થીઓને આશ્રય આપવામાં કોઈ સમસ્યા ન હતી, પરંતુ તેમણે યુક્રેનના નાગરિકોને જમીન પર ઊતરવાની મંજૂરી આપી નથી. એનાથી વિપરિત, ફ્રાન્સની સરકાર પણ આવા આશ્રય આપવાના પ્રયાસોની પ્રશંસા કરી રહી છે.

 

(6:40 pm IST)