Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

આઇન્સ્ટાઇનથી પણ વધુ સ્માર્ટ છે ૧ર વર્ષનું બાળક

IQ માં ભલભલાને આપી માત : યુનાઇટેડ કિંગડમના બ્રિસ્ટલમાં રહેતા બાર્નાબી સ્વિનબર્ને IQ ટેસ્ટમાં ૧૬રનો સ્કોર મેળવીને બધાંને ચોંકાવી દીધા

નવી દિલ્હી,તા.૩૦: જ્યારે પણ તીવ્ર બુદ્ધિ અને તર્કશક્તિની વાત આવે છે, તો આપણે હંમેશા ઉદાહરણ તરીકે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું નામ લઈએ છીએ. ઇન્ટેલીજન્સ મામલે જો કોઈ એ વૈજ્ઞાનિકને પાછળ છોડી દે, તો તેની બુદ્ધિને સૌએ નમન કરવું જ પડશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ૧૨ વર્ષના બ્રિટિશ બાળકે આવું કરી બતાવ્યું છે. તેણે સાબિત કર્યું છે કે તેની સ્માર્ટનેસ આઇન્સ્ટાઇનથી પણ ઉપર છે. ના, આ કોઈ મજાક નથી. તમે આઈક્યુ ટેસ્ટ વિશે ઘણી વખત સાંભળ્યું હશે. તમને એ ખ્યાલ હશે કે આ ટેસ્ટ દ્વારા વ્યક્તિની બુદ્ધિ, વિવેક અને તર્કશક્તિની પરીક્ષા થાય છે. આ જ પરીક્ષામાં ૧૨ વર્ષના બાળક બાર્નાબી સ્વિનબર્ને મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના સ્કોરને પાછળ છોડતાં પોતાને હાઈ આઈક્યુ સોસાયટી મેન્સાનો સભ્ય બનાવી લીધો છે. રિપોર્ટ મુજબ, યુનાઇટેડ કિંગડમના બ્રિસ્ટલમાં રહેતા બાર્નાબી સ્વિનબર્ને IQ ટેસ્ટમાં ૧૬૨નો સ્કોર મેળવીને બધાંને ચોંકાવી દીધા છે. ફક્ત ૧૨ વર્ષની ઉંમરમાં તેણે ૧૮ વર્ષથી ઓછા એજગ્રુપમાં આશ્ચર્યજનક સિદ્ધિ મેળવી છે. માનવામાં આવે છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું IQ લેવલ ૧૬૦ હતું, પણ એ બાળકનું લેવલ તો એથી પણ ૨ પોઈન્ટ વધુ છે. આ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ગ્રુપમાં સૌથી ઊંચો સ્કોર છે. બાર્નાબીને ગણિત અને કેમિસ્ટ્રી વાંચવું પસંદ છે. તેને બિઝનેસમાં પણ રસ છે અને તે બહુ મહત્વકાંક્ષી છે. તે ભવિષ્યમાં એક પ્રોગ્રામર બનવા માગે છે. IQ એ જર્મન શબ્દ Intelligenz-Quotientનું શોર્ટ ફોર્મ છે. IQ સ્કોર તમારી વિચારવા-સમજવાની ક્ષમતા અને જાણકારીના સ્તર વિશે જણાવે છે. આપણું મગજ કોઈ કાર્યને કેટલી સારી રીતે કરે છે, આપણે કોઈ સમસ્યાનો ઉકેલ કેટલી ઝડપથી અને વધુ સારી રીતે શોધી શકીએ છીએ, પ્રશ્નનો જવાબ કેટલી ઝડપથી અને સચોટ રીતે આપી શકીએ છીએ. આજકાલ ઘણી વેબસાઈટ પર આઈક્યુ ટેસ્ટની સુવિધા છે. તમે ૫ મિનિટમાં તમારા આઈક્યુની ગણતરી કરી શકો છો. જો કે, નિષ્ણાતો હંમેશા તેના પરિણામોને સાચા માનતા નથી અને મનોચિકિત્સકના ટેસ્ટથી જ તેનું યોગ્ય પરિણામ નીકળે છે.

(3:52 pm IST)