Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

એંટાલીયા કેસ : મિસ્ટ્રી વુમનની ગુત્થી સુલજવા તરફ : મહિલાની એરપોર્ટ ઉપરથી ધરપકડ

એનઆઇએએ મુંબઇની ફાઇવ સ્ટાર હોટલમાં ૧૬ ફેબ્રુઆરીએ સચીન વાઝે સાથે દેખાયેલ મહિલાની ઓળખ કરી : દક્ષિણ મુંબઇની એક હોટલ, કલબ અને થાણેના ફલેટમાં પણ તપાસ કરાયેલ

મુંબઇ,તા. ૨: એંટાલીયા કેસમાં મુંબઇ પોલીસમાંથી હાંકી કઢાયેલ અધિકારી સચિન વાઝે સાથે ફાઇવ સ્ટાર હોટલમાં દેખાયેલ મિસ્ટ્રી વુમનનો રાઝ હવે ખુલવાનો છે. એનઆઇએએ ગઇ કાલે સાંજે તે મહિલાને કસ્ટડીમાં લીધી છે. જે ૧૬ ફેબ્રુઆરીને વાઝે સાથે હોટલમાં દેખાયેલ.

એનઆઇએ મુકેશ અંબાણીના ઘર પાસેથી મળેલ એસયુવી અને મનસુખ હિરેન મોત મામલે દક્ષિણ મુંબઇની એક હોટલ અને કલબમાં તપાસ કરેલ. ઉપરાંત થાણેના એક ફલેટમાં તપાસ દરમિયાન મહિલાને કસ્ટડીમાં લીધી હતી. મહિલા વાઝેની નજીકની સહયોગી હોવાનું જણાવાયુ છે.

ધરપકડ પહેલા મહિલાની પુછપરછ પણ કરવામાં આવેલ. એનઆઇએ મુજબ વાઝેના કાળા નાણાને સફેદ કરવાનું કામ આ મહિલા કરતી. તેની પાસેથી બે આઇડી અને નોટ ગણવાનું મશીન પણ મળી આવેલ. જે ગયા મહિને વાઝેની મર્સીડીઝ કારમાં મળેલ.

૧૬ ફેબ્રુઆરીએ વાઝે, મીસ્ટ્રી વુમન સાથે ફાઇવ સ્ટાર હોટલમાં પાંચ મોટી બેગ સાથે દેખાયેલ. મહિલા અંગે કોઇ માહિતી બહાર નથી આવી પણ તે બેગમાં રોકડ રકમ હોવાનુ એનઆઇએના સુત્રોએ કર્ન્ફમ કરેલ. એનઆઇએના અધિકારીઓએ હોટેલ અને કલબમાં ૩ કલાક રહેલ અને કેટલાક લોકોની પુછપરછ પણ કરેલ. ઉપરાંત થાણાના ફલેટમાં તપાસ કરતા તે બે અઠવાડીયાથી બંધ હતો. મહિલાને એરપોર્ટ ઉપરથી પકડી લેવામાં આવેલ.એનઆઇએએ બુધવારે દાવો કરેલ કે મુકેશ અંબાણીના ઘર પાસેથી એસયુવીમાંથી મળેલ જીલેટીન સ્ટીકની ખરીદી મુંબઇ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી સચીન વાઝેએ કરી હતી.

(11:39 am IST)