Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

બિહારના ખેડૂતે ઉગાડ્યુ એવુ શાક, જેની કિંમત એક લાખ રૂપિયા પ્રતિ કિલો

હોપશૂટ્સનો ઉપયોગ બિયર અને એન્ટીબાયોટીક બનાવવામાં થાય છે

પટનાઃ ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી સુપ્રિયા સાહુએ એક ટ્વિટ કરી છે જેમાં ખેડૂત અમરેશ સિંહ અને તેના દ્વારા ઉગાડવામાં આવેલ ખેતી વિશેની વાત કરવામાં આવી છે. આ દુનિયાના સૌથી મોંઘા શાકની ખેતી છે. આ શાકનુ નામ હોપ શુટ્સ છે અને તેની કિંમત ૧ લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

બિહારના ઔરંગાબાદમાં રહેનાર અમરેશ સિંહે પોતાની મહેનતથી ખેતરમાં મોંઘુ શાક ઉગાડ્યુ છે. હોપ શૂટ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લગભગ ૧ લાખ રૂપિયા હતી. ખેડૂત અમરેશ સિંહે વારાણસીમાં જ કૃષિ ડોકટરની દેખરેખમાં આ ખેતીની શરૂઆત કરી હતી.

રિપોર્ટ અનુસાર કૃષિ વૈજ્ઞાનિક રામકિશોરી લાલે અમરેશને હોપ શૂટ્સ શાકની ખેતી કરવા માટે કહ્યું. હિમાચલથી આ છોડ મંગાવ્યા અને તેની ખેતી શરૂ કરી દેવામાં આવી હતી.

અમરેશે ૨ મહિના પહેલા ખેતીની શરૂઆત કરી અને છોડ ધીરે ધીરે મોટા થતા ગયા. હોપશૂટ્સનો ઉપયોગ બિયર અને એન્ટીબાયોટીક બનાવવામાં થાય છે. સાથે જ ટીબીના ઇલાજમાં પણ તે કારગર સાબિત થયુ છે. તેના ઉપયોગથી ત્વચા ચમકદાર થાય છે.

આ ખેતી માટે અમરેશે રાજયના કૃષિ વિભાગને અનુરોધ કર્યો હતો અને વિભાગે તે માની લીધો હતો. જો અમરેશ કુમાર આ ખેતી કરવામાં સફળ રહ્યાં તો બિહારના ખેડૂતોની કિસ્મત ધાર્યા કરતા બમણી ચમકી ઉઠશે.

બિહારના ઔરંગાબાદ જિલ્લામાં રહેનાર અમરેશ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા પણ ખેડૂત છે. ૧૨ સુધી ભણીને અમેરેશે પણ ખેતીમાં જ જંપલાવ્યુ હતુ. ૪૦ વર્ષના અમરેશની ગણતરી દેશના સફળ ખેડૂતોમાં થાય છે.

અમરેશને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ઘણા સન્માન મળી ચૂકયા છે પરંતુ તેમની તેમાં વધારે કમાણી થતી નથી. બાદમાં લખનઉથી CSIR મેડિસિનલ પ્લાન્ટની ટ્રેનિંગ લીધી અને ચાર એકર જમીનમાં ખેતીની શરૂઆત કરી. તેમાં સફળ થયા અને ખુબ આગળ નીકળી ગયા.

મેંથા, લેમન ગ્રાસ, પામારોઝા, સિટ્રોનોલા, તુલસી અને સફરજન જેવી વસ્તુઓની ખેતી કરે છે. અમરેશે એક એવા શાકની ખેતી કરી કે જે માત્ર હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં જ થાય છે.

(3:22 pm IST)