Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

હેપી બર્થ ડે વિજયભાઇઃ સેંકડો લોકો પ્રત્‍યે ‘સેવા સેતુ'માં સંવેદના...

ડીએચ કોલેજ ખાતે પ૭ પ્રકારની યોજનાના સ્‍થળ ઉપર ફોર્મ ભરાવી ધડાધડ નિકાલઃ લોકો ઉમટી પડયા : અનાથ બાળકોને સહાય મંજૂરી પત્રો એનાયતઃ સામાજિક ન્‍યાયઅધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની ખાસ ઉપસ્‍થિતિ : બાળ સેવા યોજના અને ગંગા સ્‍વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાનો રાજકોટથી ભવ્‍ય પ્રારંભઃ લોકાભિમુખ સુશાનની-ગૌરવંતી પરંપરાના સફળ પ વર્ષ

રાજકોટ તા. ર :  આજે રાજયના સંવેદનશીલ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો જન્‍મ દિવસ છે, લાખો લોકો તેમને હેપી બર્થ ડે ફાળવી દિર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, સાથેસાથ આજે રાજય સરકાર પોતાના સુશાનના પ વર્ષ સફળતાપૂર્વક પુર્ણ કરી રહી છે, અને તે સામે તા. ૯ સુધી લોકો પ્રત્‍યે સંવેદના વ્‍યકત કરતા ઢગલાબંધ કાર્યક્રમો રાજકોટ સહિત રાજયભરમાં યોજાયા છે. ગુજરાત સરકાર પ્રજાની લાગણી - માગણી અપેક્ષા પૂર્ણ કરવા રાજયભરમાં સંવેદના દિવસ વ્‍યકત કરી રહી છે.

લોકાભિમુખ સુશાનની ગૌરવવંતી પરંપરાના સફળ પ વર્ષ લોકલાડીલા મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇના નેતૃત્‍વમાં પૂર્ણ કરનાર સરકાર અનેક મહત્‍વની યોજનાઓ શરૂ કરવા જઇ રહી છે.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્‍થિતીમાં તેમના જન્‍મ દિવસે સંવેદના દિવસ રાજકોટમાં ભવ્‍ય રીતે ઉજવાઇ રહ્યો છે, તેમની ઉપસ્‍થિતિમાં રાજકોટની ડીએચ કોલેજ ખાતે સેવાસેતુ' રૂપી સંવેદના દિવસની લાગણીસભર ઉજવણી કરાઇ, અને તે સાથે મુખ્‍યમંત્રી બાળ સેવા યોજના (એક વાલી ધરાવતા બાળકો માટે) અને ગંગા સ્‍વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાનો ભવ્‍ય શુભારંભ રાજકોટથી થયો હતો.

ડીએચ ના આ કાર્યક્રમમાં સેવાસેતુમાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પોતે ઉપરાંત સામાજિક-ન્‍યાય અને અધિકારીતા ખાતાના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં, આ ઉપરાંત મેયર, ધારાસભ્‍યો - સાંસદો-પદાધિકારીઓ-અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતાં.

આજના આ સેવાસેતુમાં લોકોને સરકારની પ૭ પ્રકારની યોજનાનો સ્‍થળ ઉપર જ લાભ મળ્‍યો, સેંકડો લોકો ઉમટી પડયા હતા, આ અરજદારોના સ્‍થળ ઉપર જ ફોર્મ ભરાવી નિકાલ કરાયો હતો, સ્‍થળ ઉપર નિકાલ શકય ન બને તો લોકોને ૧પ દિવસમાં રીઝલ્‍ટ આપી દેવાની ખાત્રી અપાઇ હતી, આ સેવાસેતુ સવારે ૯ થી સાંજે પ વાગ્‍યા સુધી યોજાનાર છે, જેમાં ૯ થી ૧૧ દરમિયાન અરજદારો પાસેથી ફોર્મ પુરાવા મેળવી, ૧૧ થી ર સ્‍થળ ઉપર કાગળોની ચકાસણી અને ૩ થી પ દરમિયાન અરજદારોને રજૂઆતોના આખરી નિકાલની જાણ કરાશે.

રાજકોટમાં ડીએચ કોલેજ ખાતે યોજાનાર સેવાસેતુ' એ રાજય કક્ષાનો મુખ્‍ય કાર્યક્રમ છે, મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં આજે કુલ ૧૦ કાર્યક્રમ યોજાયા છે.

આજે સવારે વિજયભાઇ સૌ પ્રથમ કર્ણાટકના ભુતપૂર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળાની શુભેચ્‍છા મુલાકાતે ગયા હતા, ત્‍યારબાદ સવારે ૯.૩૦ કલાકે તેઓએ વાગુદડ ખાતે મહાનગરપાલીકા દ્વારા યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વૃક્ષારોપણ કર્યો હતો.

ત્‍યાંથી સવારે ૧૦-૩૦ કલાકે કાલાવાડ રોડ પર દિવ્‍યાંગ બાળકો માટે નિવાસી ગૃહનું વિજયભાઇના હસ્‍તે ભૂમિ પૂજન થયું હતું. અને ત્‍યાંથી સવારે ૧૧ કલાકે ધર્મેન્‍દ્ર કોલેજ ખાતે રાજય કક્ષાના સેવાસેતુ મુખ્‍ય કાર્યક્રમમાં આવી પહોંચ્‍યા હતાં.

આ કાર્યક્રમમાં વિજયભાઇના હસ્‍તે અનાથ બાળકોને સહાય મંજૂરી પત્ર એનાયત કરાયા હતાં, આ પ્રસંગે સેવાભાવી સંસ્‍થાના પ્રતિનિધિઓ, બાળકો-પાલકવાલીઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં.

આ સેવાસેતુમાં સેંકડો લાભાર્થીઓ ઉમટી પડયા હતાં, તેમને વિજયભાઇએ સંવેદના પ્રગટ વ્‍યકત કરી ઉદબોધન કર્યુ હતું.

આ સેવાસેતુના કાર્યક્રમ બાદ બપોરે ૧ર.૩૦ કલાકે મુખ્‍યમંત્રીએ એસ્‍ટ્રોન ચોક પાસે આવેલ જનકલ્‍યાણ હોલ ખાતે અનાથ બાળકો સાથે ખાસ ભોજન લઇ દરેકને વ્‍યકિતગત મળ્‍યા હતા, અને ખબર-અંદર પુછયા ત્‍યારે ભાવવાહી દ્રશ્‍યો સજાર્યા હતાં.

આ પછી બપોરે ર વાગ્‍યે મુખ્‍યમંત્રી બપોરે ર વાગ્‍યે પુજીત રૂપાણી ટ્રસ્‍ટના સેવાકીય કાર્યે અંતર્ગત કિલ્લોલ ભાવનગર રોડ ખાતે, બપોરે ૩ કલાકે રામનાથપરા પોલીસ લાઇન ગ્રાઉન્‍ડ ખાતે રાજકોટ પોલીસના કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહેશે. સાંજે ૪ વાગ્‍યે તેઓ ભુપેન્‍દ્ર રોડ, સ્‍વામીનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શનનો લાભ લેશે, સાંજે પ વાગ્‍યે ભાજપ ઓફીસ ખાતે બેઠકમાં ભાગ લેશે, સાંજે ૬ વાગ્‍યે ભાજપ દ્વારા કીટ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે, આ તમામ કાર્યક્રમો જીલ્લા કલેકટર તંત્ર, સામાજીક સંસ્‍થાઓ, મહાનગરપાલીકા, જીલ્લા ભાજપ, સમાજ સુરક્ષા વિભાગ, રાજકોટ પોલીસ દ્વારા થયા હતાં., રાજકોટ કલેકટર તંત્ર દ્વારા આ તમામ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

(11:21 am IST)