Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

દેશ માટે મેડલ પ્રાપ્‍ત કરવો એ ગર્વની ક્ષણઃ ભારતીય બેડમિન્‍ટન સ્‍ટાર પી.વી. સિંધુએ બ્રોન્‍ઝ મેડલ જીતીને સંતોષ માન્‍યો

દિકરીનો બ્રોન્‍ઝ પણ ગોલ્‍ડન બરાબરઃ માતા રાજીરાજી

નવી દિલ્હી: ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ચીનની જિયાઓ હે બિંગને હરાવી ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. સિંધુ સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતની પ્રથમ બેડમિન્ટન ખેલાડી અને બીજી એથલિટ બની છે. જીત પછી પણ સિંધુએ તેના દિલથી એવી વાત કહી કે જેને જાણીને તમે ભાવુક થઈ જશો.

'દેશ માટે મેડલ પ્રાપ્ત કરવો ગર્વની ક્ષણ'

ટોક્યો ઓલિમ્પિક 2020 માં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ, પીવી સિંધુએ કહ્યું, ' મને વાસ્તવમાં શાનદાર અહેસાસ કરાવે છે કારણ કે મેં આટલા વર્ષો સુધી સખત મહેનત કરી છે. મારામાં ઘણી બધી સારી લાગણીઓ ચાલી રહી હતી- શું મારે ખુશ થવું જોઈએ કે મેં બ્રોન્ઝ જીત્યો કે દુ:ખી કે મેં ફાઇનલમાં રમવાની તક ગુમાવી? પરંતુ એકંદરે, મારે એક મેચ માટે મારી લાગણીઓને દબાવી રાખવી પડી હતી અને તેને મારું શ્રેષ્ઠ આપવું પડ્યું હતું. હું ખરેખર ખુશ છું અને મને લાગે છે કે મેં ખરેખર સારું કર્યું છે. મારા દેશ માટે મેડલ પ્રાપ્ત કરવો ગર્વની ક્ષણ છે.

'પરિવારે મારા માટે કરી સખત મહેનત'

મેડલનો જશ્ન મનાવવા વિશે સિંધુએ કહ્યું હતું કે, 'હું નવમાં આકાશમાં છું. હું ક્ષણનો આનંદ લેવા જઈ રહી છું. મારા પરિવારે મારા માટે સખત મહેનત કરી છે અને ખૂબ પ્રયત્ન કર્યો છે તેથી હું ખૂબ અભારી છું અને મારા સ્પોસન્સર્સે મને પોતોનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. તેથી હું તેમનો આભાર માનું છું અને ક્ષણનો આનંદ લેવા ઇચ્છું છું.'

'દીકરીનો બ્રોન્ઝ પણ ગોલ્ડની બરાબર'

સિંધુની માતા પી વિજ્યાએ કહ્યું, 'હું ખુબ ખુશ છું મારી દીકરીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. સેમફાઇનલ મેચ હાર્યા બાદ તે ખુબ દુખી હતી. અમે તેની સાથે વાત કરી અને તેનો જુસ્સો વધાર્યો હતો. તે ગોલ્ મિસ કર્યો પરંતુ બ્રોન્ઝ પણ ગોલ્ડની બરોબર છે.'

'દીકરી પ્રધાનમંત્રીની સાથે આઈસ્ક્રીમ ખાવાની છે'

પીવી સિંધુના પિતા પીવી રમનાએ પુત્રીની સફળતા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુત્રીનો ઘણો જુસ્સો વધાર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તમે જીતીને આવો, પાછા આવ્યા બાદ સાથે બેસીને આઇસ્ક્રિમ ખાઈશું. હવે મારી પુત્રી પ્રધાનમંત્રી સાથે આઇસ્ક્રીમ ખાવાની છે. પિતાએ કહ્યું કે, 'અમે ગોલ્ મેડલની આશા કરી રહ્યા હતા. બોલવું તે સરળ છે પણ બ્રોન્ઝ લાવી છે તે પણ ખુબ સારુ છે. સિંધુ જ્યારે પણ ઓલિમ્પિકમાં ગઈ છે ત્યારે દેશ માટે મેડલ લઇને આવી છે.'

(4:50 pm IST)