Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મુશ્‍કેલીમાં મૂકાઈ શકે છે રિતેશ-જેનેલિયાઃ રૂ.૧૧૬ કરોડની લોન મામલે થશે તપાસ

રિતેશ-જેનેલિયાની કંપનીએ જુદી-જુદી બેંકોમાંથી લીધી હતી લોનઃ ૧૧૬ કરોડ રૂપિયાની લોનમાં ગેરરીતિ થઈ હોવાનો લાગ્‍યો આરોપ

મુંબઇ, તા.૨: રિતેશ દેશમુખ અને પત્‍ની જેનેલિયા ડીસૂઝા પોતાની કંપનીને લઈને મુશ્‍કેલીમાં ફસાઈ શકે છે. રિતેશ અને જેનેલિયા લાતૂરમાં એક એગ્રો-પ્રોસેસિંગ કંપની ચલાવે છે અને તે કંપનીમાં તપાસના આદેશ આપવામાં આવ્‍યા છે. મહારાષ્‍ટ્રના મંત્રી અતુલ સાવેએ કહ્યું છે કે, રિતેશ દેશમુખ અને જેનેલિયાની કંપનીને ૧૧૬ કરોડ રૂપિયાની જે લોન આપવામાં આવી છે તેની તપાસ કરાશે. કપલની કંપનીને લોન આપવામાં કો-ઓપરેટિવ બેંકોએ કોઈ ગેરરીતિ આચરી છે કે કેમ તેની તપાસ થશે.

થોડા દિવસ પહેલા જ લાતૂરમાં ભાજપના કેટલાક નેતાઓએ આરોપ મૂકયો હતો કે, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડીસૂઝાની કંપનીએ ‘દેશ એગ્રો પ્રાઈવેટ લિમિટેડ'ને લોન આપવામાં સહકારી બેંકોએ ગેરરીતિ કરી હતી. આરોપ લગાવવામાં આવ્‍યો છે કે, રિતેશ-જેનેલિયાની કંપનીને એમવીએ (મહા વિકાસ અઘાડી) દરમિયાન MIDC એટલે કે મહારાષ્‍ટ્ર ઔદ્યોગિક નિગમનો પ્‍લોટ મળ્‍યો હતો.

દાવો કરવામાં આવ્‍યો છે કે, રિતેશ અને જેનેલિયાની કંપનીએ ૪ ઓક્‍ટોબર ૨૦૨૧ના રોજ પંઢરપુર અર્બન કો-ઓપરેટિવ બેંકમાં લોન માટે અરજી કરી હતી. ૨૭ ઓક્‍ટોબરે તેમને ૪ કરોડ રૂપિયાની લોન મંજૂર થઈ હતી. જે બાદ કંપનીએ લાતૂર ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટિવ બેંક પાસેથી ૬૧ કરોડ રૂપિયાની લોન માટે અરજી આપી હતી. આ એપ્‍લિકેશન પણ ૨૭ ઓક્‍ટોબરે મંજૂર કરવામાં આવી હતી. ત્‍યારબાદ કપલની કંપનીની ૨૫ જુલાઈ ૨૦૨૨એ ૫૫ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી.

મંત્રી અતુલ સાવેએ કહ્યું કે, ‘ભાજપના જિલ્લા અધ્‍યક્ષ ગુરુનાથ માગેએ આ મામલે એક પત્ર લખ્‍યો હતો. પરંતુ તેમને MIDC અંગે જાણકારી નહોતી. એટલે જ તેમણે તપાસના આદેશ આપ્‍યા હતા જેથી જાણી શકાય કે, બેંકો દ્વારા કોઈ ગેરરીતિ તો નથી આચરવામાં નથી આવીને.'

ઉલ્લેખનીય છે કે, રિતેશ દેશમુખ મહારાષ્‍ટ્રના પૂર્વ મુખ્‍યમંત્રી અને કોંગ્રેસના દિવંગત નેતા વિલાસરાવ દેશમુખનો દીકરો છે. રિતેશના મોટો ભાઈ એમવીએ સરકારમાં મંત્રી હતા અને નાના ભાઈ ધીરજ દેશમુખ લાતૂર (ગ્રામીણ) બેઠક પરથી ધારાસભ્‍ય છે.

(4:34 pm IST)