Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

તુર્કીનું નામ બદલીને ‘તુર્કિયે'કરાયું

સંયુકત રાષ્‍ટ્રએ આપી મંજૂરી

અંકારા, તા.૩: સંયુક્‍ત રાષ્ટ્રએ તુર્કી ગણરાજયનું નામ બદલવાના અનુરોધનો સ્‍વીકાર કરી લીધો છે. સંયુક્‍ત રાષ્ટ્રમાં હવે તુર્કીનું નામ તુર્કિયે કરી દેવાયું છે. સંયુક્‍ત રાષ્ટ્રના પ્રવક્‍તા સ્‍ટીફન દુજારિકએ કહ્યું કે, તુર્કીના વિદેશ મંત્રી મેવતુલ કાવુસોગ્‍લૂએ સંયુક્‍ત રાષ્ટ્ર મહાસચિવ એન્‍ટોનિયો ગુટેરેસને એક પત્ર લખ્‍યો, જેમાં તુર્કીનું નામ તુર્કિયે કરવાનો અનુરોધ કરાયો હતો.

દુજારિકે કહ્યું કે, પત્ર મળ્‍યા પછી તરત નામ બદલી દેવાયું છે. મંગળવારે તુર્કીના વિદેશ મંત્રીએ સંયુક્‍ત રાષ્ટ્ર અને અન્‍ય આંતરાષ્ટ્રીય સંગઠનોને પત્ર લખ્‍યાની જાણકારી આપી હતી. પત્રમાં કહેવાયું હતું કે, ‘અમારા ડિરેક્‍ટરેટ ઓફ કોમ્‍યુનિકેશન્‍સ સાથે મળીને અમે તેના માટે એક સારો આધાર તૈયાર કરવામાં સફળ રહ્યા. અમે સંયુક્‍ત રાષ્ટ્ર અને અન્‍ય આંતરાષ્ટ્રીય સંગઠનો માટે અમારું નામ બદલ્‍યું છે.'

તુર્કીના પ્રેસિડન્‍ટ રેચપ તૈયપ એર્દોગન એ ડિસેમ્‍બરમાં પોતાના દેશના લોકોને આંતરાષ્ટ્રીય સ્‍તર પર દરેક ભાષામાં તુર્કિયે નામનો ઉપયોગ કરવા કહ્યું હતું. ત્‍યારે એર્દોગને કહ્યું હતું કે, તુર્કિયેને દરેક દેશ માને છે. તુર્કિયે તુર્કી લોકોની સંસ્‍કૃતિ, સભ્‍યતા અને મૂલ્‍યોનું સૌથી સારું પ્રતિનિધિત્‍વ કરે છે. તે ઉપરાંત એર્દોગને કંપનીઓને કહ્યું હતું કે, તે નિકાસ થનારી બધી વસ્‍તુઓ પર ‘મેડ ઈન તુર્કિયે' લખે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સ્‍વાઝીલેન્‍ડએ પોતાનું નામ બદલીને ઈસ્‍વાતીની કરી લીધું હતું. કેટલાક સમય પહેલા નેધરલેન્‍ડે દુનિયામાં પોતાની છબિ સરળ બનાવવા માટે હોલેન્‍ડ નામ હટાવી દીધું હતું. તે ઉપરાંત મેસેડોનિયાએ પણ ગ્રીસ સાથે એક રાજકીય વિવાદના કારણે પોતાનું નામ ઉત્તર મેસેડોનિયા કરી દીધું હતું. ૧૯૩૫માં ફારસએ પોતાનું નામ બદલી ઈરાન કરી લીધું હતું. ફારસી ભાષામાં ઈરાનનો અર્થ પર્શિયન થાય છે.

(10:38 am IST)