Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

UPI વ્‍યવહારો ૧૦ લાખ કરોડને પારઃ રોકડ ચુકવણી પાછળ

યુપીઆઇ V/S કેશ પેમેન્‍ટ : એનસીપીઆઈના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં, યુપીઆઈ દ્વારા ૪૬ અબજ વ્‍યવહારો થયા હતા, જેની કુલ રકમ ૮૪.૧૭ લાખ કરોડ રૂપિયા હતી

નવી દિલ્‍હી, તા.૩: દેશમાં ડિજિટલ પેમેન્‍ટ્‍સમાં તીવ્ર તેજી જોવા મળી રહી છે અને UPI સૌથી આગળ છે. નેશનલ પેમેન્‍ટ્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (NCPI) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, આ વર્ષના મે મહિનામાં UPI ટ્રાન્‍ઝેક્‍શન્‍સ રૂ. ૧૦ લાખ કરોડને વટાવીને રૂ. ૧૦.૪૧ લાખ કરોડના સ્‍તરે પહોંચી ગયા છે. આ અત્‍યાર સુધીનું સર્વોચ્‍ચ સ્‍તર છે.

NPCI ડેટા પર નજર કરીએ તો, મહિના દર મહિનાના આધારે, આ વર્ષે મે મહિનામાં વ્‍યવહારોની સંખ્‍યામાં ૭ ટકાનો ઉછાળો આવ્‍યો છે, જયારે રકમમાં ૬ ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર કેશ પેમેન્‍ટનો ટ્રેન્‍ડ નબળો પડ્‍યો છે. એનસીપીઆઈના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં, યુપીઆઈ દ્વારા ૪૬ અબજ વ્‍યવહારો થયા હતા, જેની કુલ રકમ ૮૪.૧૭ લાખ કરોડ રૂપિયા હતી.

મે ૨૦૨૨માં UPI દ્વારા કુલ ૫.૯૫ અબજ વ્‍યવહારો થયા હતા. અગાઉ એપ્રિલ મહિનામાં ૫.૫૮ અબજ UPI ટ્રાન્‍ઝેક્‍શન થયા હતા અને ટ્રાન્‍ઝેક્‍શનની રકમ ૯.૮૩ લાખ કરોડ રૂપિયા હતી. માહિતી અનુસાર, ગયા વર્ષના મે મહિનાની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં ટ્રાન્‍ઝેક્‍શનની સંખ્‍યા બમણીથી વધુ થઈ ગઈ છે.

નિષ્‍ણાતોનું કહેવું છે કે કોરોના મહામારી દરમિયાન લોકો માટે ડિજિટાઈઝેશન અત્‍યંત ફાયદાકારક સાબિત થયું છે. આ જ કારણ છે કે છેલ્લા બે વર્ષમાં ડિજિટલ પેમેન્‍ટમાં ઝડપથી વધારો થયો છે. થોડા મહિના પહેલા, આરબીઆઈએ ફીચર ફોનથી ડિજિટલ પેમેન્‍ટ કરવાની સુવિધા પણ શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્‍ય એવા ૪૦૦ મિલિયન લોકો સુધી ડિજિટલ પેમેન્‍ટ લાવવાનો છે જેમની પાસે હાલમાં માત્ર ફીચર ફોન છે

(10:58 am IST)