Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

કાશ્મીરી પંડિતોની ઓળખ ગણાતા ખીર ભવાની મેળામાં આ વર્ષે જવાનું કેન્સલ : 7 જૂનના રોજ આયોજિત મેળાનો બહિષ્કાર કરવા ખીર ભવાની ટ્રસ્ટની અપીલ : હિન્દુઓની થઇ રહેલી કત્લેઆમથી ડરીને લેવાયેલો નિર્ણય

જમ્મુ : કાશ્મીરી પંડિતો ખીર ભવાની મંદિરમાં ઊંડી આસ્થા ધરાવે છે. 1990માં સ્થળાંતર કરીને ગયેલા કાશ્મીરી પંડિતો પણ અહીં મોટી સંખ્યામાં પહોંચે છે. આ મેળો કાશ્મીરી પંડિતોની ઓળખ માનવામાં આવે છે. હિન્દુઓની હત્યાથી ડરીને કાશ્મીરી પંડિતો ખીર ભવાની મેળાનો બહિષ્કાર કરશે,  પંડિતોના ટ્રસ્ટે પણ અપીલ કરી મેળાનો બહિષ્કાર કરવાનું જણાવ્યું છે.

કાશ્મીરી પંડિતોએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ખીર ભવાની મેળાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ખીણમાં હિન્દુઓના વધતા નરસંહારના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, માતા ખીર ભવાની ટ્રસ્ટે તમામ શ્રદ્ધાળુઓને, ખાસ કરીને કાશ્મીરી પંડિતોને વાર્ષિક 'માતા ખીર ભવાની મેળો' રદ કરવાની અપીલ કરી હતી. ટ્રસ્ટ કમિટીના જણાવ્યા અનુસાર, ગાંદરબલ જિલ્લાના તુલમુલ્લા ગામમાં રાગ્યા દેવી મંદિરમાં 7 જૂનના મેળામાં ભાગ લેવા માટે યાત્રા 5 જૂને નગરોટાથી રવાના થવાની છે.

કાશ્મીરી પંડિતો સામૂહિક હિજરતની તૈયારી કરી રહ્યા છે
વાસ્તવમાં ટાર્ગેટેડ કિલિંગના કારણે કાશ્મીરી પંડિતો મોટા પાયે ઘાટીમાંથી હિજરત કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સિરીઝ શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે 100 થી વધુ લોકોએ જમ્મુ તરફ સ્થળાંતર કર્યું હતું, અનંતનાગના મટ્ટનમાં ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું હતું. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (KPSS)ના પ્રમુખ સંજય ટીક્કુએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:08 pm IST)