Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

થોડા વર્ષોમાં સ્માર્ટફોનનો પણ અંત આવશે : પેક્કા લુન્ડમાર્કે

નોકીયાના સીઈઓનો દાવો : સ્માર્ટફોનમાં ઝડપથી આવતા અપડેટ જ અંતનું કારણ બનશે : ૨૦૩૦ સુધીમાં સિક્સ જી ટેકનોલોજી આવશે

નવી દિલ્હી, તા.૩ : સ્માર્ટ ફોન લોકોના જીવનનુ એક અભિન્ન અંગ બની ગયા છે ત્યારે નોકીયા કંપનીના સીઈઓ પેક્કા લુન્ડમાર્કે દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં દાવો કર્યો છે કે, બહુ થોડા વર્ષોમાં સ્માર્ટફોનનો પણ અંત આવી જશે.

તેમનુ કહેવુ છે કે, સ્માર્ટફોનમાં જે ઝડપથી અપડેટ આવી રહ્યા છે એ જ ઝડપ તેના અંતનુ કારણ બનશે. કોમર્શિયલ માર્કેટની વાત કરીએ તો ૨૦૩૦ સુધીમાં દુનિયના ઘણા દેશો સિક્સ જી ટેકનોલોજી વાપરતા થઈ જશે.તેના પહેલાથી જ લોકો સ્માર્ટફોનની સરખામણીએ સ્માર્ટ ગ્લાસ અને બીજી પ્રોડક્ટસનો ઉપયોગ કરતા થઈ જશે.

પેક્કા લુન્ડમાર્કના કહેવા પ્રમાણે સ્માર્ટફોનના જે ફિચર્સ આપણે અત્યારે વાપરી રહ્યા છે તેમાંની કેટલીક વસ્તુઓ તો આપણા શરીર સાથે સીધી રીતે જોડાઈ જશે અને તેનાથી સ્માર્ટફોનનો ઉપયોગ ઓછો થતો જશે.

જોકે નોકિયાના સીઈઓએ તે કયા ડિવાઈસની વાત કરે છે તે તો નહોતુ કહ્યુ પણ એવુ મનાય છે કે, તેમનો ઈશારો ઈલોન મસ્કની ન્યુરાલિક્ન કંપની સાથે હતો. જે માણસના મગજમાં ચિપ લગાવવા માટેના પ્રયત્નો કરી રહી છે.

ગયા વર્ષે એક આફ્રિકન વાંદરાના મગજમાં આ પ્રકારની ચીપ લગાડાઈ હતી અને તે દરમિયાન તે પોતાના મગજ વડે એક ગેમને કંટ્રોલ કરી રહ્યો હોવાનો ડેમો પણ મસ્કે દર્શાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યારે ફાઈવ જી સર્વિસ લોન્ચિંગની તૈયારી ચાલી રહી છે.

 

 

(7:48 pm IST)