Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

૮૭ વર્ષના દદીએ રામ મંદિર માટે ૨૮ વર્ષથી નથી લીધું અન્ન : હવે છોડશે ઉપવાસ

હવે ૫ ઓગસ્ટે રામ મંદિરના ભૂમિ પૂજન સાથે તેમની તપસ્યા પૂરી થશે

નવી દિલ્હી તા. ૩ : ૮૭ વર્ષના ઉર્મિલા ચતુર્વેદીએ ૨૮ વર્ષથી અન્નનો ત્યાગ કર્યો છે. તેઓ માત્ર દૂધ અને ફળહાર કરીને જ રામની ભકિતમાં લીન રહે છે. વિવાદિત ઢાંચો તોડી પડાયા બાદ તેમણે સંકલ્પ કર્યો હતો કે જયાં સુધી રામ મંદિરનું નિર્માણ ના થાય ત્યાં સુધી તેઓ અનાજ નહીં ખાય. હવે તેમની ઇંતેજારીનો અંત આવશે. ૫ ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે અને આ દિવસે જ ઉર્મિલા ચતુર્વેદી વ્રત તોડશે. તેમના આ નિર્ણયથી પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

૮૭ વર્ષના ઉર્મિલા ચતુર્વેદી વયોવૃદ્ઘ હોવાથી થોડા અશકત દેખાય છે પરંતુ તેમનો સંકલ્પ મજબૂત છે. છેલ્લા ૨૮ વર્ષોથી તેમણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતું જોવા માટે જ ઉપવાસ કર્યો છે. ૧૯૯૨માં જયારે રામ જન્મભૂમિનો વિવાદિત ઢાંચો તોડી પડાયો ત્યારે ત્યાં લોહીયાળ જંગ થઈ હતી. એ વખતે જ ઉર્મિલા ચતુર્વેદીએ સંકલ્પ કર્યો હતો કે, જયાં સુધી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ ના થાય ત્યાં સુધી તેઓ અનાજ ગ્રહણ નહીં કરે. ૧૯૯૨ પછી તેમણે કયારેય ભોજન નથી કર્યું. તેઓ માત્ર ફળ ખાઈને જીવિત છે.

ઉર્મિલા ચતુર્વેદી ૨૮ વર્ષથી જે ક્ષણની રાહ જોતા હતા તે આખરે આવી ગઈ છે. જબલપુરના વિજયનગર વિસ્તારમાં રહેતા ઉર્મિલા ચતુર્વેદી ૮૭ વર્ષના છે. વિવાદિત ઢાંચો પડ્યા પછી જે હિંસા થઈ હતી તે જોઈને ઉર્મિલા ચતુર્વેદી હચમચી ગયા હતા અને દુઃખી થયા હતા. તેમણે સંકલ્પ લીધો કે, દેશમાં જયારે ભાઈચારા સાથે રામ મંદિરનું નિર્માણ થશે ત્યારે જ તેઓ અનાજ ખાશે. વર્ષોની તપસ્યા બાદ હવે ઉર્મિલા ચતુર્વેદીનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.

ઉર્મિલા ચતુર્વેદી સતત પોતાના પરિવારજનો સમક્ષ રામ મંદિરના કાર્યક્રમમાં જવાની જીદ કરી રહ્યા છે. પરંતુ પરિવાર તેમને કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે બાદમાં લઈ જશે તેમ કહીને આશ્વાસન આપી રહ્યા છે. વયોવૃદ્ઘ રામભકત ઉર્મિલાબેનનું કહેવું છે કે, ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભલે તેઓ પ્રત્યક્ષ હાજરી ના આપી શકે પરંતુ મનથી ત્યાં જ રહેશે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અનાજ ત્યાગનારા ઉર્મિલાબેનની ઈચ્છા અયોધ્યામાં જઈને વસવાની છે. તેમની ઈચ્છા છે કે, અયોધ્યામાં તેમના માટે પણ એક એવી જગ્યા નક્કી હોય જયાં તે મર્યાદા પુરુષોત્ત્।મ ભગવાન રામની શરણમાં બેસી શકે. ૮૭ વર્ષનાં ઉર્મિલા ચતુર્વેદી પોતાનું બાકીનું જીવન રામની શરણમાં વિતાવવા માગે છે.

ઉર્મિલા ચતુર્વેદીની સાધના અને તપસ્યામાં તેમના પરિવારે પણ પૂરતો સહયોગ આપ્યો છે. વર્ષોની તપસ્યા બાદ વૃદ્ઘ રામભકતનું સપનું સાકાર થવાનું છે ત્યારે તેમનો પરિવાર પણ ખૂબ ખુશ છે. ઉર્મિલા ચતુર્વેદીના પુત્રવધૂ ઈચ્છે છે કે હવે તેમના સાસુ જલદીથી જલદી અનાજ ખાવાનું શરૂ કરી દે.

૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો ત્યારે ઉર્મિલા ચતુર્વેદીની ખુશીનો પાર નહોતો. તેમણે ભગવાન શ્રીરામને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. તેમનું કહેવું છે કે, ૨૮ વર્ષના લાંબા સંઘર્ષ બાદ સફળતા મળી છે. ૨૮ વર્ષમાં ઉર્મિલાબેને ઘણી મુશ્કેલીઓ પણ વેઠી છે. તેમણે અનાજનો ત્યાગ કર્યો ત્યારથી તેઓ સગા-સંબંધીઓ અને સમાજથી દૂર થઈ ગયા. લોકોએ ઘણીવાર ઉપવાસ પૂરા કરવા તેમની પર દબાણ કર્યું હતું. તો ઘણા લોકો એવા પણ હતા જેમણે તેમની સાધના અને આત્મવિશ્વાસના વખાણ કર્યા હતા. તેમને સાર્વજનિક મંચ પર સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

(9:45 am IST)