Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

દાળમાં કાળુ : તપાસમાં વિઘ્ન

સુશાંત કેસની તપાસ માટે મુંબઇ પહોંચેલા પટણા SP 'બળજબરીથી' કોરોન્ટાઇન

મુંબઈ તા. ૩ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરવા બિહારથી મુંબઈ પહોંચેલા પટણા સિટી એસપી વિનય તિવારીને ૧૫ ઓગસ્ટ સુધી કવોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. તિવારીએ મુંબઈમાં પહેલી રાત એસઆરપીએફના ગોરેગાંવ કેમ્પ ખાતે વિતાવવી પડી. તિવારીને કવોરન્ટાઈન કરવામાં આવતા બિહાર પોલીસે નારાજગી વ્યકત કરી છે. બિહાર પોલીસનું કહેવું છે કે પટણા સીટી એસપી વિનય તિવારીને હોમ કવોરન્ટાઈન નહીં પરંતુ અમારી તપાસ રોકવા માટે તેમને એક પ્રકારે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યાં છે. બિહાર પોલીસની તપાસ રોકવા માટે આ પગલું જાણી જોઈને લેવાયું છે.

બિહાર ના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ એક ટ્વિટ દ્વારા પોતાની નારાજગી વ્યકત કરતા લખ્યું કે આઈપીએસ ઓફિસર વિનય તિવારી આજે પટણાથી મુંબઈ ઓફિશિયલ ડ્યૂટી હેઠળ બિહારની પોલીસ ટીમનું નેતૃત્વ કરવા માટે ગયા હતાં પરંતુ બીએમસીના અધિકારીઓએ રાતે ૧૧ વાગે જબરદસ્તીથી તેમને કવોરન્ટાઈન કરી દીધા છે. તેમની ભલામણ છતાં આઈપીએસ મેસ ન અપાયું.

સૂત્રોના જણાવ્યાં મુજબ વિનય તિવારી આઈપીએસ ઓફિસર્સ મેસમાં રોકાવવા માંગતા હતાં. આથી તેમણે ડીએસપી બાન્દ્રા એટલે કે અભિષેક ત્રિમુખે સાથે વાત કરી હતી. ડીસીપી ૯એ તેમને આઈજી હેડકવાર્ટર સાથે સંપર્ક કરાવ્યો, જે તેમને રોકાવવા માટે રૂમ અપાવત પરંતુ જયારે વિનય તિવારી આવ્યાં તો ત્યારબાદથી આઈજી હેડકવાર્ટરે તેમનો ફોન જ ન ઉઠાવ્યો.

સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ કમિશનરેટ છે એટલે ડીસીપી કેમ્પસની પાસે તેમને કોઈ સાધન ઉપલબ્ધ કરાવવાનો અધિકાર નથી. તેમણે આઈજી એડમિન સાથે વાત કરી. આઈજી  એડમિનનું કહેવું છે કે કોરોનાના કારણે ઓફિસર્સ મેસ ઓપેરશનમાં નથી અને ત્યાં પહેલેથી જ એક કોરોનાનો દર્દી મળી આવ્યો છે. આથી એસપી વિનય તિવારીને SRPFના ગેસ્ટ હાઉસમાં રોકવામાં આવ્યાં છે. જો કે બીએમસીના સૂત્રોના જણાવ્યાં મુજબ વિનય તિવારીને ૧૫ ઓગસ્ટ સુધી હોમ કવોરન્ટાઈન કરાયા છે.

(9:49 am IST)