Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

૧પમીએ મોદી 'આયુષ્માન ભારત' જેવી યોજના જાહેર કરશે

ભારતને એક ડિજિટલ હેલ્થ નેશન બનાવવા પ્રયાસઃ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) ની થશે જાહેરાતઃ મિશન તમામ દેશવાસીઓ માટે હશેઃ જો કે જોડાવાનું સ્વૈચ્છિક હશેઃ યોજના ૪ ફીચર સાથે લાગુ થશે

નવી દિલ્હી તા. ૩: પીએમ મોદી આ વર્ષે ૧પમી ઓગસ્ટે પોતાના સંબોધનમાં દેશને એક મોટી ભેટ આપી શકે છે. પીએમ એ દિવસે ''નેશનલ ડિજિટલ હેલ્થ મિશન'' યોજનાની જાહેરાત કરી શકે છે આ યોજનામાં દરેક ભારતીયની પર્સનલ આઇડી હશે અને હેલ્થ રેકોર્ડને ડિજિટાઇઝ કરવામાં આવશે. ત્યાં સમગ્ર દેશના ડોકટર અને સ્વાસ્થ્ય સુવિધાઓનું રજીસ્ટ્રેશન પણ થશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યોજનાના પ્રસ્તાવને કેબિનેટની મંજુરી મળી ચુકી છે અંતિમ મંજુરી આ સપ્તાહના અંતે મળી જશે. પીએમ ૧પ ઓગસ્ટે આ યોજનાની જાહેરાત કરશે.

આ યોજનાને ૪ ફીચર સાથે શરૂ કરાશે. પ્રથમ હેલ્થ આઇડી, પર્સનલ હેલ્થ રેકોર્ડ, ડિજી ડોકટર અને હેલ્થ ફેસીલીટી રજીસ્ટ્રી થશે. બાદમાં આ યોજનામાં ઇ ફાર્મસી અને ટેલીમેડીસીન સેવાને પણ સામેલ કરાશે. આ માટેની ગાઇડલાઇન્સ ઘડાઇ રહી છે.

આ એપમાં દેશના કોઇપણ નાગરિકને ખુદને જોડવાનું સ્વૈચ્છિક રહેશે એટલે કે કોઇને ફરજ નહિં પડાય હેલ્થ રેકોર્ડ સંબંધિત વ્યકિતની મંજુરી બાદ જ શેયર કરાશે. આ જ રીતે હોસ્પીટલો અને ડોકટરને આ એપ માટે ડિટેલ ઉપલબ્ધ કરાવવાનું પણ સ્વૈચ્છિક રહેશે. સરકારનું માનવું છે કે આવા એપની ઉપયોગીતા જોતા તેમાં મોટા પાયે લોકો સામેલ થઇ શકે છે. આ યોજનાથી હેલ્થ સેવાઓની ક્ષમતા અને પારદર્શિતા વધશે.

વિશ્વની સૌથી મોટી સ્કીમ આયુષ્યમાન ભારત લાગુ કરનાર NDHM જ આ એપ અને વેબસાઇટને બનાવી છે આ યોજના તબક્કાવાર રીતે લાગુ થશે. પ્રારંભ કેટલાક રાજયોથી થશે. રૂ ૪૭૦ કરોડ મંજુર થયા છે. આ યોજનામાં પ્રાઇવસીનો ખ્યાલ રખાવ્યો છે કોઇ પણ માહિતિ સંબંધિત વ્યકિતની ઇચ્છાથી જ શેયર થશે. લોકોને એ પણ વિકલ્પ અપાશે કે તેના હેલ્થ ડેટાને થોડા સમય માટે ડોકટર જોઇ શકે. હેલ્થ આઇડી બધા રાજયો હોસ્પીટલો, ફાર્મસીમાં લાગુ થશે. ડી જી ડોકટર વિકલ્પ દેશના બધા ડોકટરોને આ એપ પર નોંધણીની સુવિધા આપશે. આ યોજના ભારતને એક ડીજીટલ હેલ્થ નેશન બનાવવા તરફનું પગલું છે.

યોજનાનું લક્ષ્યાંક

. એક ડીજીટલ હેલ્થ સીસ્ટમ બનાવવી અને હેલ્થ ડેટાને મેનેજ કરવો.

. હેલ્થ ડેટા કલેકશનની કવોલીટી અને પ્રસારને પ્રોત્સાહન

. એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવું જયાં હેલ્થ કેર ડેટાની પરસ્પર ઉપલબ્ધતા હોય.

. સમગ્ર દેશ માટે અપડેટેડ અને યોગ્ય હેલ્થ રજીસ્ટ્રીને તૈયાર કરવું.

યોજનામાં શુંશું હશે?

. હેલ્થ આઇડી

. પર્સનલ હેલ્થ કેર રિપોર્ટ

. ડિજી ડોકટર

. હેલ્થ ફેસીલીટી રજીસ્ટ્રી

. ટેલીમેડીસીન

. ઇ ફાર્મસી

 

(10:59 am IST)