Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

૪૮ કલાકમાં મુંબઈમાં બેફામ : બુધવારથી ચોમાસુ સ્પીડ પકડશે

બંગાળની ખાડીમાં આ સપ્તાહમાં ઉપરાઉપરી બે સિસ્ટમ્સ બની રહી છે : સ્કાયમેટઃ ૨૪ કલાક સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં સારા વરસાદની સંભાવના : ૫ થી ૮ દરમિયાન ગુજરાત - ઓડીસ્સા - છત્તીસગઢ - મધ્યમપ્રદેશમાં ભારે વરસાદ પડશે

નવી દિલ્હી : દેશમાં જુલાઈ મહિનામાં ધારણા મુજબનો વરસાદ પડ્યો નથી. ત્યારે ઓગષ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ સારા વરસાદના સંકેત છે. વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયુ છે કે આજે અને આવતીકાલે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે. અનેક જગ્યાએ પાણી ભરાશે. જયારે સૌરાષ્ટ્રમાં આજે અમુક જગ્યાએ વરસાદની શકયતા છે. કચ્છવાસીઓને હજુ થોડી રાહ જોવી પડશે.

વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટના શ્રી દેવેન્દ્ર ત્રિપાઠીએ જણાવેલ કે દેશમાં ૧ જૂન થી ૨ ઓગષ્ટ સુધી સામાન્યથી બે ટકા ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના રાજયોમાં સામાન્યથી વધુ વરસાદ થયો છે. મધ્ય ભારતમાં ૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. પરંતુ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી ૧૯ ટકાની ઘટ્ટ જોવા મળી છે.  પશ્ચિમ યુ.પી., રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, લદાખમાં પણ વરસાદી ઘટ જોવા મળી છે. આગામી ૨૪ કલાકમાં પણ દેશમાં સામાન્યથી ઓછો વરસાદ સંભવ છે.

પશ્ચિમી દરિયાકિનારે ઉત્તર કેરળથી ઉત્તર કોંકણ સુધી સારો વરસાદ થઈ શકે છે. (મહારાષ્ટ્રના પાલઘર સુધી) ગોવાથી રાયગઢ, રત્નાગીરી, અલીબાગ, મુંબઈ, થાણેમાં વરસાદ જોવા મળશે. તા.૫ થી ઉત્તર તરફ વરસાદનો દોર જોવા મળશે. દક્ષિણ કોંકણ ગોવાથી ઉત્તર કોંકણ ગોવા સુધી આજે - કાલે ભારે વરસાદ પડશે. મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ આસપાસના વિસ્તારોમાં ૪ ઈંચથી વધુ વરસાદ પડશે. વિદર્ભ તેમજ છત્તીસગઢ, એમ.પી.માં પણ અમુક જગ્યાએ વરસાદની સંભાવના છે.

જયારે ગુજરાતના સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ સારો વરસાદ પડી શકે છે. કચ્છવાસીઓને હજુ રાહ જોવી પડશે. પૂર્વ દક્ષિણ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ બાદ પાંચમી ઓગષ્ટથી રાજસ્થાનના મધ્ય - પશ્ચિમી ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં ૨૪ થી ૪૮ કલાક દરમિયાન હવાનું હળવુ દબાણ બનશે. આ સિસ્ટમ્સ ઓડીસ્સાથી છત્તીસગઢ મધ્યપ્રદેશથી ગુજરાત સુધી અસર કરશે. ઓરીસ્સાથી ગુજરાત, દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં તા.૫ ઓગષ્ટથી તા.૭ થી ૮ સુધી ભારે વરસાદ પડશે.

આ વરસાદના રાઉન્ડમાં તમામ વરસાદી ઘટ પૂરી થઈ જશે. આ સિસ્ટમ્સ તા. કે ૮ના આગળ વધ્યા બાદ વધુ એક સિસ્ટમ્સ બંગાળની ખાડીમાં બનશે.

(11:39 am IST)