Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સુશાંતસિંહના પરિવારે કોઇના ઉપર શક વ્‍યક્‍ત કર્યો ન હતોઃ મુંબઇ પોલીસ અને બિહાર પોલીસમાં ખેંચતાણ વચ્‍ચે મુંબઇના પોલીસ કમિશનર પરમવીરસિંહનું નિવેદન

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસને લઈને મુંબઈ પોલીસ અને બિહાર પોલીસમાં ખેંચતાણ જાહેરમાં આવી ગઈ છે. સુશાંત કેસની તપાસ માટે મુંબઈ પહોંચેલા પટણાના સિટી એસપી વિનય તિવારીને બીએમસીએ 15 ઓગસ્ટ સુધી ક્વોરન્ટાઈન કરી દીધા છે. જેને લઈને હોબાળો મચ્યો છે. બિહાર પોલીસે આકરી આપત્તિ વ્યક્ત કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે જે કઈ થયું તે નહતું થવું જોઈતું. આ રાજકીય નથી. બિહાર પોલીસ પોતાની ડ્યૂટી કરી રહી છે. હવે આ સમગ્ર મામલે મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહનું નિવેદન સામે આવ્યું છે.

મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે કહ્યું કે પોલીસે પહેલા ADR (એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ) દાખલ કરીને તપાસ શરૂ કરી. ફોરેન્સિક એક્સપર્ટ, ડોક્ટરોની ટીમને પણ કન્સલ્ટ કરવામાં આવ્યાં છે. ડિટેલ તપાસ ચાલી રહી હતી પરંતુ નિષ્કર્ષ પર પહોંચ્યા નહીં. નૈસર્ગિક મોત અને શંકાસ્પદ મોત આ બંને એંગલોની તપાસ થઈ રહી છે. સુશાંતના પરિવારનું નિવેદન પણ લેવાયું છે. કોઈના પર તેમણે શક વ્યક્ત કર્યો નહતો.

તેમણે વધુમાં કહ્યું કે "બિહાર પોલીસની તપાસ જે એંગલ પર થઈ રહી છે તે અમને નથી ખબર કે કેટલી સાચી છે. અમે આ અંગે કાયદાકીય સલાહ લઈ રહ્યાં છીએ. તેમણે કેસ અમને ટ્રાન્સફર કરવો જોઈતો હતો. અમારી તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે. અમે સુશાંતની બહેનોને પણ તપાસ માટે બોલાવી પરંતુ તેઓ ન આવી."

સુશાંતની એક્સ મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યાના કેસ અંગે સિંહે કહ્યું કે "દિશા સાલિયાન પહેલેથી કોઈ તણાવમાં હતી. તેના કેસની પણ તપાસ ચાલુ છે. સુશાંતના ખાતાની લેવડદેવડની તપાસ થઈ રહી છે. 18 કરોડ રૂપિયા બેંકમાં હતાં. ત્યારબાદના ટ્રાન્ઝેક્શનની તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં 56 લોકોના નિવેદન લેવાયા છે. 13 અને 14 જૂનના સીસીટીવી ફૂટેજ અમે મેળવ્યાં છે પરંતુ કોઈ પાર્ટી થઈ હતી તેવા એક પણ પુરાવા મળ્યા નથી."

બીએમસી વધુ ચાર SIT અધિકારીઓને શોધે છે

સૂત્રોના જણાવ્યાં મુજબ પટણા સિટી એસપી વિનય તિવારીને હોમ ક્વોરન્ટાઈન કર્યા બાદ પટણા પોલીસના બાકીના 4 અધિકારીઓને પણ બીએમસી શોધી રહી છે. મહારાષ્ટ્ર સરકરા તે તમામને ક્વોરન્ટાઈન કરવાના મૂડમાં છે. એસઆઈટીના ચારેય અધિકારીઓ ગુપ્ત સ્થળે જતા રહ્યાં છે. કાલે વિનય તિવારી જ્યારે રાતે 9 વાગે એક મહત્વપૂર્ણ પ્રત્યક્ષદર્શીનું નિવેદન લઈ રહ્યાં હતાં ત્યારે બીએમસીના અધિકારીઓએ ફોન કરીને તેમનું લોકેશન પૂછ્યું અને હાથમાં થપ્પો લગાવી દીધો. હવે વિનય તિવારી ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળી શકે નહીં. જો તે આમ કરે તો તેમના પર લોકડાઉનના નિયમોના ભંગ મામલે એફઆઈઆર દાખલ થઈ શકે છે.

પટણા એસપીને ક્વોરન્ટાઈન કરવા પર બીએસપીએ કરી સ્પષ્ટતા

આ બાજુ સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાના કેસની તપાસ માટે મુંબઈ આવેલા પટણાના સિટી એસપી વિનય તિવારીને જબરદસ્તીથી ક્વોરન્ટાઈન કરવાના મામલે બીએમસીએ સ્પષ્ટતા કરી છે. બીએમસીનું કહેવું છે કે વિનય તિવારીને મહારાષ્ટ્ર સરકારના નિયમો મુજબ હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. વિનય તિવારીએ બિહારથી મુંબઈની મુસાફરી પ્લેનથી કરી. જેને જોતા સરકારી ગાઈડલાઈનનું પાલન કરીને તેમને ક્વોરન્ટાઈન કરાયા છે.

અત્રે જણાવવાનું કે વિનય તિવારી બિહારથી ગોરેગાવ પહોંચ્યા હતાં. ત્યારબાદ બીએમસી પ્રશાસને હોમ ક્વોરન્ટાઈન કર્યાં. બીએમસી પ્રશાસને પોતાની સ્પષ્ટતા કરતા કહ્યું કે કોરોના સંકટને જોતા ઘરેલુ ઉડાણોથી આવતા લોકો માટે ક્વોરન્ટાઈનનો નિયમ બનાવાયેલો છે.

બીએમસીનું કહેવું છે કે 2 ઓગસ્ટના રોજ વિનય તિવારીને હોમ ક્વોરન્ટાઈન કરવા અંગેની તમામ ગાઈડલાઈન જણાવાઈ હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે હવાઈ મુસાફરી કરીને મહારાષ્ટ્ર પહોંચનારા લોકો માટે સરકારે 25 મેના રોજ દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. જે મુજબ સરકારે એ નિર્ધારિત કર્યું છે કે ક્વોરન્ટાઈન કેટલા દિવસોનું રહેશે.

(5:03 pm IST)