Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

કમર મોહસિન ૨૫ વર્ષથી મોદીને રાખડી બાંધે છે, પરંતુ આ વખતે પોસ્ટમાં મોકલવી પડી

નવી દિલ્હી તા. ૩ : કમર મોહસિન શેખને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાની બહેન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ કોરોનાના પ્રતિબંધોને કારણે આ વખતે રક્ષાબંધન પર મોદીને નહીં મળી શકે, તેથી તેઓ પીએમને પોસ્ટમાં રાખડી મોકલી છે.

મોહસિન લગ્ન પછી અમદાવાદમાં સેટલ થઈ ગયા હતાં. તેમણે જણાવ્યું કે, અમે મોદીને છેલ્લાં ૩૦-૩૫ વર્ષોથી ઓળખીએ છીએ. પહેલી વખત દિલ્હીમાં મુલાકાત થઈ હતી. ત્યારે તેમને ખબર પડી કે હું કરાચીથી છું અને અમદાવાદમાં લગ્ન થયા છે તો તેમણે મને બહેન કહીને બોલાવી. મારો પણ કોઈ ભાઈ નથી, એટલા માટે થોડા વર્ષો પછી રક્ષાબંધન પર જયારે ફરી દિલ્હી ગઈ તો મેં તેમને રાખડી બાંધી. છેલ્લા ૨૫ વર્ષથી હું તેમને રાખડી બાંધું છું.

એક વખત રાખડી બાંધતી વખતે મેં કહ્યું કે, તમે ગુજરાતના મુખ્ય પ્રધાન બની જાવ, એવી પ્રાર્થના કરીશ. એ વખતે તેમણે હસતા હસતા વાતને ટાળી દીધી, પણ પછી મુખ્ય પ્રધાન બની ગયા. બીજી રક્ષાબંધન પર મેં કહ્યું કે, ઉપરવાળાએ મારી પ્રાર્થના સાંભળી લીધી અને હવે તો તે વડા પ્રધાન પણ બની ગયા છે.

મારી મોકલાવેલી રાખડી અને પુસ્તક તેમને મળી ગયા છે. હું પોતે જવા માગતી હતી, પણ કોરોનાના કારણે બધા હેરાન છે.

હું પ્રાર્થના કરૃં છું કે તેમના હવે પછીને પાંચ વર્ષ સારી રીતે વિતે. તેમના પોઝિટિવ નિર્ણયોની આખી દુનિયાને ખબર પડે. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીશ, એમ તેમણે કહ્યું હતું.

(2:46 pm IST)