Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

૬ઠ્ઠી તારીખે લો-જસ્ટીસ કમિટીની બેઠકઃ

વિડીઓ કોન્ફરન્સથી વર્ચ્યુલ-આભાસી અદાલત શકય છે? મહત્વની ચર્ચા થશેઃ કેન્દ્રની ખૂબ જ મહત્વની સમિતિ

નવી દિલ્હીઃ તાજેતરમાં ર૭ મી જુલાઇએ સંસદની લો એન્ડ જસ્ટીસ કમિટીની બેઠક મળી ગઇ.જેમાં સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ અને લો-સેક્રેટરીને બોલાવાયા હતા. સંસદની આ સમિતિ ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. જેની નીચે કેન્દ્રીય કર્મચારીઓ, જાહેર ફરિયાદ, કાયદાકીય વિભાગ, કાયદો ઘડનાર વિભાગની બાબતો આવે છે, આ કમિટીની નીચે પાંચ સચીવો અને બે મંત્રાલય (લો એન્ડ જસ્ટીસ અને પર્સોનલ મંત્રાલય) નો મોટો વિસ્તાર આવે છે.

તાજેતરમાં જ રાજયસભામાં ચૂંટાયેલા સાંસદ શ્રી અભયભાઇ ભારદ્વાજનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે તેઓ આગમી ૬ઠ્ઠી તારીખે યોજાયેલ લો અને જસ્ટીસની બેઠકમાં હાજરી આપવાના છે.

મળતી વિગતો મુજબ આ બેઠકમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના, હાઇકોર્ટ બાર એસોસિએશનના અને પ્રથમ વખત જ નીચલી કોર્ટના વકીલ પ્રતિનિધીને બોલાવાયા છે. જેથી તેમની તકલીફો જાણી શકાય.

આ બેઠકમાં ખાસ તો ''વર્ચ્યુલ કોર્ટ આભાસી અદાલતો'' ની કાર્યવાહી વિડીયો કોન્ફરન્સથી શકય છે ? તે અંગે મહત્વની ચર્ચા થવા સંભવ છે.

પાર્લામેન્ટની આ લો એન્ડ જસ્ટીસ કમિટીમાં કુલ ૩૧ સભ્યો છે, જેમાં ર૧ લોકસભાના અને ૧૦ રાજયસભાના છે. શ્રી અભયભાઇ ભારદ્વાજ પણ આ સમિતિના સભ્ય નિયુકત થયા છે. તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ- રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે. આ કમિટીના ચેરમેન ગુજરાત ભાજપના પ્રભારી અને સાંસદ શ્રી ભૂપેન્દ્ર યાદવ છે. સંસદની આ સમિતિ ખૂબ જ તાકાતવાળી ગણાય છે.

(3:40 pm IST)