Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

IT રિટર્ન મોડું ફાઈલ કરનાર ટ્રસ્‍ટોને કરમુક્‍તિના લાભ મળશે નહીં ચેરિટેબલ ટ્રસ્‍ટોને નાની ભૂલની કિંમત ચૂકવવી પડશે

કેન્‍દ્રીય બજેટમાં સુધારા ધર્માદા ટ્રસ્‍ટોનું અસ્‍તિત્‍વ મુશ્‍કેલ બનશે : બજેટ દરખાસ્‍તોમાં એક્‍ઝિટ ટેક્‍સનો વ્‍યાપ વિસ્‍તારવામાં આવ્‍યો

નવી દિલ્‍હી,તા.૪: કેન્‍દ્રના નાણાંમંત્રી નિર્મલા સીતારામને આગામી વર્ષ માટેના બજેટમાં મહત્‍વના સુધારા કર્યા છે. આગામી વર્ષના બજેટમાં ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વરા ઈન્‍કમટેક્‍સ રિટર્ન ફાઈલ કરવામાં ન આવે અથવા રિન્‍યુઅલ અરજી કરવામાં આવી ન હોય તેવી નજીવી કે સામાન્‍ય ભૂલ ચૂકની ભારે કિંમત ચૂકવવી પડશે. જો ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા I.T. રિટર્ન મોડું ફાઈલ કરવામાં આવશે તો તેને કરમુક્‍તિના લાભ મળશે નહીં. આગામી બજેટમાં કડક જોગવાઈઓ- નિયંત્રણો કરવાને પગલે ધર્માદા ટ્રસ્‍ટો માટે અસ્‍તિત્‍વ મુશ્‍કેલ અને વધુ પડકારજનક બનશે. બજેટમાં કેટલીક દરખાસ્‍તોને કારણે ચેરિટેબલ ટ્રસ્‍ટો પર એક્‍ઝિટ ટેક્‍સની તલવાર લટકી રહી છે.

ટેક્‍સ નિષ્‍ણાંતના જણાવ્‍યાનુસાર, જો ચેરિટેબલ ટ્રસ્‍ટ નિયત સમયમાં નોંધણી માટે રીન્‍યુઅલ અરજી ન કરે તો તેવા કિસ્‍સામાં ટ્રસ્‍ટની સંપત્તિના વાજબી બજાર મૂલ્‍ય પર મહત્તમ નજીવા દરે કર લાદવામાં આવશે. આગામી વર્ષના બજેટમાં આ જોગવાઈને કારણે ટ્રસ્‍ટોને સૌથી મોટી મુશ્‍કેલી પડશે . જો ચેરિટેબલ ટ્રસ્‍ટો રીન્‍યુઅલ માટેની અરજીઓ થોડા દિવસો મોડી ફઇલ કરવાની નાની ભૂલ પણ કરશે તો ટ્રસ્‍ટનું અસ્‍તિત્‍વ જોખમમાં મૂકાશે. વર્ષોથી અસ્‍તિત્‍વ ધરાવતા જે ચેરિટેબલ ટ્રસ્‍ટો નોંધણી માટે અરજી કરી ન હતી, તેમને અત્‍યાર સુધી અગાઉના વર્ષોની પેન્‍ડિંગ આકારણીમાં કર મુક્‍તિનો ઇનકાર કરવામાં આવ્‍યો ન હતો. હવે ધર્માદા ટ્રસ્‍ટોનો આ લાભ છીનવાઈ રહ્યો છે. જૂના ટ્રસ્‍ટો કે જેઓ હવે નોંધણી કરાવવા ઈચ્‍છે છે તેમને અગાઉના દસ વર્ષ સુધી કરવેરા ભોગવવાનું જોખમ રહેશે.

હાલમાં, ચેરિટેબલ ટ્રસ્‍ટો તેમની અધિકૃત આવક પર વધારાનો આવકવેરો (એક્‍ઝિટ ટેક્‍સ) ચૂકવવા માટે જવાબદાર છે, નિયત શરતોના ઉલ્લંઘન બદલ આ પ્રકારના ટ્રસ્‍ટ બિન- ચેરિટીમાં રૂપાંતર અથવા કોઈપણ બિન- સખાવતી સંસ્‍થામાં સંપત્તિનું ટ્રાન્‍સફર કરી શકશે નહીં.

બજેટ દરખાસ્‍તોમાં એક્‍ઝિટ ટેક્‍સનો વ્‍યાપ વિસ્‍તારવામાં આવ્‍યો છે. કર મુક્‍તિ મેળવવા માટે નોંધણી/ ફ્રી નોંધણી માટે અરજી દાખલ કરવામાં કોઈપણ વિલંબ કરાશે તો ચેરિટેબલ ટ્રસ્‍ટને બિન- ચેરિટેબલ ટ્રસ્‍ટમાં રૂપાંતરિત થયું હોય તેવું માનવામાં આવશે અને એક્‍ઝિટ ટેક્‍સ વધી જશે.

(10:56 am IST)