Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પોતાને પાર્વતીનો આવતાર કહેતી મહિલા ભગવાન શિવ સાથે લગ્ન કરવા માંગે છે

પિથોરાગઢ તા. ૪ : ભારત-ચીન સરહદ નજીક નાભિદાંગના પ્રતિબંધિત વિસ્‍તાર પાસે ગેરકાયદેસર રીતે રહેતી લખનૌની એક મહિલાએ એવો દાવો કરીને બહાર જવાની ના પાડી દીધી છે કે તે દેવી પાર્વતીનો અવતાર છે અને તે કૈલાશ પર્વત પર રહે છે. ભગવાન શિવ સાથે લગ્ન કરશે. પિથોરાગઢના પોલીસ અધિક્ષક લોકેન્‍દ્ર સિંહે કહ્યું કે હરમિન્‍દર સિંહ નામની આ મહિલાએ ધમકી આપી છે કે જો તેને પ્રતિબંધિત વિસ્‍તારમાંથી બળજબરીથી હટાવવામાં આવશે તો તે આત્‍મહત્‍યા કરી લેશે અને તેના કારણે તેને ત્‍યાંથી હટાવવા ગયેલી પોલીસ ટીમ ખાલી હાથે પાછી ફરી છે.
જો કે, તેમણે કહ્યું કે હવે મહિલાને બળજબરીથી ધારચુલા નીચે લાવવા માટે બીજી મોટી પોલીસ ટીમ ઘટનાસ્‍થળે મોકલવામાં આવશે. સિંહે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે હવે મહિલાને નીચે લાવવા માટે ૧૨ સભ્‍યોની પોલીસ ટીમ નાભિધાંગ મોકલવામાં આવશે. આ ટીમમાં મેડિકલ કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે લખનૌના અલીગંજ વિસ્‍તારની રહેવાસી મહિલા સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ પાસેથી ૧૫ દિવસની પરવાનગી લીધા બાદ તેની માતા સાથે ધારચુલા ગઈ હતી, પરંતુ ૨૫ મેના રોજ પરવાનગીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તેણીએ પ્રતિબંધિત વિસ્‍તાર છોડવાનો ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કૈલાશ માનસરોવર યાત્રાના માર્ગ પર ગુંજી આવેલું છે. તેમણે કહ્યું કે દેવી પાર્વતીનો અવતાર હોવાનો દાવો કરવા અને કૈલાશ પર્વત પર રહેતા ભગવાન શિવ સાથે લગ્ન કરવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરવાને કારણે મહિલા માનસિક રીતે સ્‍વસ્‍થ નથી લાગતી.

 

(10:30 am IST)