Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

હિંદુ ધર્મમાં બહુવિવાહ જેવો કોઈ શબ્દ નથી અને તેથી બીજી પત્ની ફેમિલી પેન્શનની હકદાર નથી

ગુવહાટી અને કર્ણાટક હાઈકોર્ટે અલગ અલગ કેસમાં મહત્વનો ચુકાદો : ગુવહાટી હાઈકોર્ટે ફેમિલી પેન્શનના એક કેસની સુનાવણી કરતા એક મોટો ચુકાદો આપ્યો :બહુવિવાહ અપરાધ, પહેલી પત્નીની મંજૂરી અનૈતિક- કર્ણાટક હાઈકોર્ટ

ગુવહાટી હાઈકોર્ટે ફેમિલી પેન્શનના એક કેસની સુનાવણી કરતા એક મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે તેના ચુકાદમાં ટાંક્યું કે હિંદુ એક એવો ધર્મ છે કે જેમાં બહુવિવાહને કોઈ સ્થાન નથી અને પહેલી પત્ની હોવા છતાં પણ બીજી પત્ની કૌટુંબિક પેન્શનની હકદાર નથી.

જસ્ટિસ સંજય કુમાર મેધીની ખંડપીઠે આ રીતે એક કેસની તપાસ કરી હતી જેમાં અરજદાર (પ્રતિમા ડેકા)એ બિરેન ડેકાની પત્ની હોવાનો દાવો કરીને કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ફેમિલી પેન્શનની માંગ કરવામાં આવી હતી. અરજદારે એવી રજૂઆત કરી હતી કે તેના પતિ સિંચાઈ વિભાગમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરતા હતા અને ઓગસ્ટ 2016માં તેમનું અવસાન થયું હતું, તેથી તે ફેમિલી પેન્શનની હકદાર છે. તેણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેને ત્રણ બાળકો છે. બીજી તરફ અરજદારના દાવાને પ્રતિવાદી નં.6 સહિતના પ્રતિવાદીઓએ સોગંદનામું દાખલ કરીને પડકાર્યો હતો. પ્રતિવાદી નં.6એ એવી રજૂઆત કરી હતી કે, તે મૃતક કર્મચારીની પ્રથમ પત્ની છે અને કાયદા મુજબ તે કૌટુંબિક પેન્શનની હકદાર છે

 

બન્ને પત્નીઓની રજૂઆત સાંભળ્યા બાદ જસ્ટિસ સંજય કુમાર મેધીની ખંડપીઠે એવું જાહેર કર્યું કે પક્ષકારો ધર્મપ્રમાણે હિન્દુ છે અને હિન્દુ મેરેજ એક્ટ મુજબ દ્વેષભાવનો કોઈ ખ્યાલ નથી, પરંતુ તે ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો છે અને છૂટાછેડાનું કારણ પણ છે. જસ્ટિસે કહ્યું કે આ મામલે પહેલી પત્ની હયાત છે અને પહેલી પત્નીની હયાતીમાં બીજી પત્ની ફેમિલી પેન્શન માટે હકદાર નથી, તેથી બીજી પત્નીના પેન્શન સંબંધિત અરજીને ફગાવી દેવામાં આવે છે. ખંડપીઠે એવું પણ કહ્યું કે બાળકો (બીજી પત્નીને ત્યાં જન્મેલા) પણ મોટા છે અને તેથી, જો કે બાળકો સગીર હોય તો તેમને થોડી રાહત આપી શકાઈ હોત પણ તેવું નથી આથી બીજી પત્નીની અરજી ફગાવી દેવામાં આવે છે. ફેમિલી પેન્શન માટે તો પહેલી પત્ની જ હકદાર છે. 

ગુવહાટી હાઈકોર્ટની ઉપરાંત કર્ણાટક હાઈકોર્ટે પણ આવા એક કિસ્સામાં એવું જાહેર કર્યું છે કે બહુવિવાહ ગુનો છે અને પતિને બીજા લગ્ન કરવાની પત્ની દ્વારા મંજૂરી આપવી અનૈતિક છે. 77 વર્ષીય વૃદ્ધ દ્વારા પોતાની સામે દાખલ કરવામાં આવેલી બહુવિવાહની એક અરજીને રદ કરવા સંબંધિત અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે આવું જણાવ્યું હતું. 77 વર્ષીય આનંદ નામના શખ્સે 1968માં ચંદ્રઅમ્મા સાથે લગ્ન કર્યાં હતા ત્યાર બા દ1972માં ચંદ્રઅમ્માની બહેન સવિત્રાઅમ્મા સાથે લગ્ન કર્યાં હતા. 1993માં વારાલક્ષ્મી સાથે ત્રીજા લગ્ન કર્યાં હતા. ચંદ્રઅમ્માએ 2018માં આનંદની સામે બહુવિવાહનો કેસ દાખલ કર્યો હતો. તેણે એવો આક્ષેપ કર્યો હતો કે આનંદે તેનાથી એ વાત છૂપાવી હતી કે તેણે અગાઉ વારાલક્ષ્મી સાથે લગ્ન કર્યાં હતા.

     

 

(8:59 pm IST)