Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ગૌતમ અદાણીની કંપનીને NTPC પાસેથી મળ્યો કોન્ટ્રાક્ટ : 6000 કરોડથી વધુની ડીલ

એનટીપીસીએ 5.75 એમટી કોલસાની આયાત માટે પાંચ ટ્રેન્ડ જારી કર્યા હતા

નવી દિલ્હી :  ભારતની સૌથી મોટી પાવર જનરેશન કંપની NTPC લિમિટેડે અદાણી એન્ટરપ્રાઇઝિસને કોલસાની આયાત માટે ઘણા કોન્ટ્રાક્ટ આપ્યા છે. આ ડીલ રૂ. 6,585 કરોડની છે. આ અંતર્ગત ગૌતમ અદાણી ગ્રુપની કંપની NTPC માટે 6.25 મિલિયન ટન કોલસાની આયાત કરશે.સ્થાનિક કોલસાની  અછતને પહોંચી વળવા માટે 10 ટકા આયાતી કોલસાને મિશ્રિત કરવાના પાવર મંત્રાલયના તાજેતરના નિર્દેશને પહોંચી વળવા સરકારી માલિકીની પાવર જનરેટિંગ કંપની હવે કોલસાની આયાત કરવા ઝડપી આગેકૂચ કરી રહી છે.

સરકારી કંપનીએ આ સંદર્ભે છ અલગ-અલગ ટેન્ડરો બહાર પાડ્યાં હતા અને ચાર પક્ષકારો પાસેથી ટેકનિકલ બિડ મળી હતી જેમાં – અમદાવાદ સ્થિત અદી ટ્રેડલિંક, ચેન્નાઈ સ્થિત ચેટ્ટીનાડ લોજિસ્ટિક્સ અને દિલ્હી સ્થિત મોહિત મિનરલ્સ લિમિટેડ સાથે અદાણી એન્ટરપ્રાઇઝે બોલી લગાવી હતી.માર્ચમાં સતત બીજા વર્ષે ભારતમાં કોલસાની કટોકટી સર્જાતા એનટીપીસીએએ 5.75 MT કોલસાની આયાત માટે પાંચ ટેન્ડર બહાર પાડ્યા હતા અને તમામ કોન્ટ્રાક્ટ અદાણી એન્ટરપ્રાઈઝને ફાળે ગયા છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે. આ ટેન્ડરોની કુલ રકમ રૂ. 8422 કરોડ હતી.

 

જાહેર ક્ષેત્રની કંપનીના અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે આયાતી કોલસો ઈન્ડોનેશિયાથી મંગાવવામાં આવશે અને એનટીપીસી ઓસ્ટ્રેલિયાથી કોલ આયાત કરવાનું વિચારી રહી નથી. હવે રસપ્રદ વાત એ છે કે અદાણી પાસે ઓસ્ટ્રેલિયામાં વાર્ષિક 10 MTની ક્ષમતા ધરાવતી કાર્માઈલ કોલસાની ખાણ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

એનટીપીસી 10 ટકાના સરકારના નિર્ધારિત કોલસા મિશ્રણના લક્ષ્યાંકને પહોંચી વળવા લગભગ 20 MT આયાતી કોલસા માટે ઓર્ડર આપવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ અનુસાર એનટીપીસી કોલસાની આયાત કરવાથી તેની ઇંધણની કિંમત પ્રતિ યુનિટ રૂ. 7-8 સુધી વધશે જ્યારે વિશ્વની સૌથી મોટી કોલસા કંપની અને ભારત સરકારની માલિકીની જ કંપની કોલ ઇન્ડિયા લિમિટેડ પાસેથી સ્થાનિક કોલસો ખરીદવાથી રૂ. 2 પ્રતિ યુનિટનો ખર્ચ થાય છે. એનટીપીસીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આયાતી કોલસાને કારણે એનટીપીસીના અંતિમ વીજ દરમાં 50-70 પૈસાનો વધારો થશે, જે ગ્રાહકોના માથે જ ઝીંકવો પડશે.

દેશમાં વીજળીની માંગને પહોંચી વળવા માટે સ્થાનિક કોલસાનો સ્ટોક પૂરતો નથી તે સ્વીકારીને કેન્દ્ર સરકારે બે અઠવાડિયા પહેલા તમામ રાજ્યો અને વીજ ઉત્પાદન કરતી કંપનીઓને ચોમાસું શરૂ થાય તે પહેલાં કોલસાની આયાત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

(12:25 am IST)