Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સંસદના ચોમાસુ સત્રને પણ કોરોના નડી ગયો

ઓગસ્ટને બદલે હવે સપ્ટેમ્બરમાં થવાની શકયતા

નવી દિલ્હી તા. ૪ :.. કોરોનાનો કહેર જે રીતે વધી રહ્યો છે તેને કારણે હવે સંસદનું ચોમાસુ સત્ર પણ મોડું શરૂ થઇ શકે છે. દેશભરમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખતા એવી શંકા વ્યકત થઇ રહી છે કે ઓગસ્ટમાં શરૂ થનાર સંસદનું ચોમાસુ સત્ર સપ્ટેમ્બરમાં જ શરૂ થઇ શકશે. આ બાબતે સાથે સંકળાયેલ એક સુત્રએ આ માહિતી આપી છે.

આ બાબતો સાથે સંકળાયેલા લોકો અનુસાર, રાજયસભાના સ્પીકર વેંકૈયાનાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભારતનાં ટોચના ચૂંટાયેલા અધિકારી રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતી પર ચાંપતી નજર રાખી રહ્યા છે જેથી સત્રની કોઇ તારીખ નકકી કરી શકાય જો કે છેલ્લા કેટલાક સપ્તાહથી દિલ્હીમાં કોરોનાની સ્થિતીમાં સુધારો જોવા મળી રહ્યો છે જે એક પ્રકારે આશાનું કિરણ છે.

ભારતીય બંધારણ હેઠળ, એક સંસદ સત્રના અંત અને બીજાની શરૂઆત વચ્ચે છ મહિનાથી વધારેનું અંતર ન હોવું જોઇએ. એટલે ચોમાસુ સત્ર શરૂ કરવા માટે સંસદ પાસે ર૩ સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે. ર૩ માર્ચે બજેટ સત્ર પુરૂ થવાના બે દિવસ પહેલા જ દેશમાં ૬૮ દિવસનું લોકડાઉન જાહેર થયું હતું.

(11:40 am IST)