Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સૌરાષ્ટ્રના સાગરકાંઠે સાંબેલાધાર વરસાદ

સુત્રાપાડા ૮ : વેરાવળ ૬ : માંગરોળ ૪ ઇંચ

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન : મુખ્યબજારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા : માળીયાહાટીયા - ૧, તળાજા - કોડીનારમાં પોણો ઇંચ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત

ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી - પાણી થઇ ગયું છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : દિપક કક્કડ, વેરાવળ)

રાજકોટ તા. ૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં ૮ ઇંચ અને વેરાવળમાં ૬ ઇંચ વરસાદ પડયો છે. જ્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળમાં પણ સાંબેલાધારે ૪ ઇંચ વરસાદ પડયો છે.

સૂત્રાપાડામાં ૮ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા. જુનાગઢ જિલ્લાના માંગરોળમાં આજે સવારે બે કલાકમાં દે ધનાધન ચાર ઇંચ તથા વેરાવળમાં ૪-ઇંચ વરસાદ તુટી પડયો હતો ભાવનગર જિલ્લાના તળાજાના ઝાપટા વરસ્યા છે જયારે રાજકોટમાં વાદળા છવાયા છે.

વેરાવળ

 વેરાવળ : વેરાવળ સોમનાથ વિસ્તારમાં ભારે વારસાદ છ કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર, રોડમાં પાણી ભરાયેલ હતા. જનજીવન ઠપ થયેલ હતું હજુ પણ ભારે વરસાદ વરસી રહેલ છે.

વેરાવળ સોમનાથ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વ્હેલીસવારે ૪ વાગ્યાથી ભારે વરસાદ શરૂ થયેલ હતો. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૬ ઇંચ વરસાદ પડેલ હતો છ કલાકમાં ભારે વરસાદ પડતા શહેરની મુખ્ય બજાર સટ્ટાબજાર, સુભાષ રોડ, ગાંધીરોડ, તપેશ્વર મંદિર, રાજેન્દ્ર ભુવન રોડ, જન સમાજ રોડ, બસ સ્ટેન્ડ રોડ પાણી પાણી થઈ ગયેલ હતા. આ વરસાદથી જનજીવન ઉપર મોટી અસર પડેલ હતી મોટા ભાગની દુકાનો ખુલેલ ન હોય હજુ પણ ભારે વરસાદ વરસી રહેલ હોય જેથી બજારો ખુલવાની શકયતા પણ દેખાતી નથી. આ વરસાદથી વેરાવળ, સોમનાથ સુત્રાપાડાને પીવાનું પુરૂ પાડતો હીરણ ડેમ પણ છલોછલ ભરાઈ ગયેલ છે જેથી નિચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે જણાવેલ છે.

સુત્રાપાડા વિસ્તારમાં રાત્રે બે વાગ્યાથી ભારે વરસાદ વરસી રહેલ છે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૮ ઇંચ જેટલો વરસાદ પડેલ

છે. જેથી રોડ,ખેતરોમાં પાણી ભરાયા હતા નદી નાળા છલકાયા હતા ભારે વરસાદથી ગ્રામ્ય જીવન થંભી ગયેલ હતું સુત્રાપાડા વિસ્તારમાં રાત્રે ર થી ૪ વાગ્યા સુધીમાં ૩ર મીમી, ૪ થી ૬  વાગ્યા સુધીમાં ૬પ મીમી, સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં  ૭રમીમી, ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં ર૬ મીમી વરસાદ પડેલ છે.

ભારે વરસાદ તમામ નદી વાળાઓ છલકાય ગયેલ હતા હજુ પણ ભારે  વરસાદ વરસી રહેલ છે. વડોદરા ઝાલા, લોઢવા સહીતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદથી રોડ ઉપર ખેતરોમાં પાણી આવી ગયેલ હોય તેમ જાણવા મળેલ છે.

વેરાવળના દેવકા નદી અજગર પકડાયો હતો તેને રેસ્કયુ કરી લઈ જવાયેલ હતો તેમજ ઈણાજ ગામમાં પણ પુર જેવી પરીસ્થીતી હોય દુકાનો - ઘરમાં પાણી આવી ગયેલ હતા. કોડીનારમાં પણ ૬ કલાકમાં પ૮ મીલીમીટર વરસાદ પડેલ હતો.

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં આજે સવારે છ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. અને આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં ગાજવીજ સાથે ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાના તળાજામાં પણ હળવા ઝાપટા વસ્યા છે. જયારે રાજકોટમાં સવારથી વાદળા છવાયા છે. ગઇકાલે ગોંડલ તાલુકાના વાસાવડમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા.

આજે સવારથી પણ રાજકોટ સહિત  સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને હળવો ભારે વરસાદ વરસી જાય છે.

ભાવનગર જીલ્લાના તળાજામાં પોણો ઇંચ, જયારે મહુવામાં ઝાપટા પડયા છે. અને અમરેલી જીલ્લાના ખાભામાં પણ ઝાપટા વરસ્યા છે.

જુનાગઢ

જુનાગઢઃ માંગરોળમાં આજે સવારે ધોધમાર ૪ ઇંચ વરસાદ થતા પાણી-પાણી થઇ ગયું હતું.

આ વર્ષે માંગરોળ પંથકમાં ચોમાસાની શરૂઆતથી વરસાદ ઓછો રહ્યો છે પરંતુ આજે સવારે છ વાગ્યે મેઘરાજા અચાનક તૂટી પડ્યા હતા અને થોડી જ વારમાં મેઘ તાંડવ સર્જાતા ૪ ઇંચ વરસાદ ખાબકયો હતો.

સવારના ધોધમાર વરસાદથી માર્ગો પર નદીની માફક પાણી વહી ગયા હતા તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સવારના ૪ ઇંચ વરસાદથી નુકશાનના સમાચાર નથી. માંગરોળ ઉપરાંત માળીયા હાટીનામાં એક ઇંચ તથા વિસાવદરમાં વરસાદી ઝાપટા પડયા હતા.

ગોંડલ

ગોંડલ  : તાલુકાના વાસાવડ ગામે કાલે જોરદાર વરસાદનું ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ભાવનગર

 ભાવનગર : જિલ્લાના તળાજા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણ ગોરંભાયૂ હતું. ખેતરમાં ઉભેલી મૌલાતને વરસાદની તાતી જરૂર વચ્ચે આજે સવારના સાતેક વાગ્યાથી કયારેક મધ્યમ ધારે તો કયારેક ધોધમાર સ્વરૂપે મેઘરાજા તરસી ધરાને આલિંગન આપતા રહ્યા. જેને લઈ ખેડૂતોમાં લહેરાતી મૌલાતને ફાયદો થઈ રહ્યાનો આનંદ હતો.

વરસતા વરસાદ વચ્ચે રાબેતા મુજબ જ વિજપોલ પર ધડાકાઓ સાથે ભડકો થવાના બનાવો જોવા મળ્યા હતા.

તળાજા પંથકમાં દરિયાઈ વિસ્તાર પીથલપુર, ઝાંઝમેર, મેથળા ગામડાઓ સિવાય આજ સુધી સિઝનનો અનરાધાર બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો નથી. વરસાદની અછત ભૂગર્ભ તળ ઉંચા ન આવતા વર્તાઈ રહી છે. જેને લઈ ખેડૂત સહિત સૌ ચિંતિત છે. શિયાળુ અને ઉનાળુ મોલ કઈ રીતે લઈ શકીશું. શેત્રુંજી કેનાલ વિસ્તારના ખેડૂતો અને ગામડાઓના રહીશો પણ ચિંતીત છે કારણકે હજુ સુધી શેત્રુંજી જળાશય અડધું ચોમાસુ ચાલ્યું ગયુ છતાંય અડધાં થી પણ વધુ ખાલી છે.

આજે દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ વચ્ચે વાતાવરણ આહલાદક બની ગયુ હતુ.

(3:10 pm IST)