Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

રાજકિય પક્ષો જણાવશે ‘ક્રિમિનલ' સિવાય અન્‍ય કોઇ ઉમેદવાર કેમ ન મળ્‍યા ?

ચૂંટણીપંચે ‘ક્રિમિનલ' બેકગ્રાઉન્‍ડ ધરાવતા ઉમેદવારો માટે કરી મોટી તૈયારી

નવી દિલ્‍હી તા. ૩ : ગુજરાત ચૂંટણીની તારીખોના એલાનની સાથે જ ચૂંટણી પંચે ક્રિમિનલ બેકગ્રાઉન્‍ડ ધરાવતા ઉમેદવારો અંગે મોટી તૈયારીઓ કરી છે. પંચે સ્‍પષ્‍ટ કરી દીધું છે કે ઉમેદવાર અને પક્ષે બંનેએ ગુના સાથે જોડાયેલી જાણકારીઓને રજુ કરવી પડશે. ચૂંટણીપંચનું કહેવું છે કે તેના દ્વારા મતદાતાઓને ઉમેદવારોની તમામ માહિતી અંગેની જાણ થશે.
પંચે વધુમાં જણાવ્‍યું કે, પ્રથમ ગુનામાં સામેલ રહી ચૂકેલા ઉમેદવારોને પ્રચાર દરમિયાન ત્રણવાર અખબારો અને ટીવી ચેનલ દ્વારા ગુન્‍હાહિત માહિતી પ્રકાશિત કરવી પડશે. સાથે જ ક્રિમિનલ બેકગ્રાઉન્‍ડના ઉમેદવારને ઉતારતા પક્ષને ઉમેદવાર વિશે જાણકારી તેમની વેબસાઇટ, અખબારો અને ચેનલો પર ત્રણવાર ગુન્‍હાહિત માહિતી પ્રકાશિત કરવી પડશે.
મુખ્‍ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જો કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ હોય, તો ઉમેદવારે ફરજિયાતપણે એક રાષ્ટ્રીય, એક પ્રાદેશિક અને સોશિયલ મીડિયા પર તેની માહિતી પ્રકાશિત કરવી પડશે. સાથે જ પક્ષોએ પણ ખુલાસો કરવો પડશે અને જાહેર કરવું પડશે કે તેમને ગુનેગાર સિવાય કોઈ ઉમેદવાર કેમ મળ્‍યો નથી. તેઓએ કારણો આપવા પડશે અને તેને જાહેર કરવું પડશે, જેથી મતદારોને ખબર પડે કે પક્ષને તે વિસ્‍તારમાં ઉમેદવાર શોધવામાં આટલી મુશ્‍કેલી કેમ લાગી.
ECI અનુસાર, નામાંકન પરત ખેંચવાની તારીખથી પહેલા ચાર દિવસ દરમિયાન માહિતી જાહેર કરવાની રહેશે. આ પછી બીજી વખત આગામી ૫ થી ૮ દિવસમાં અને ત્રીજી વખત ચૂંટણીના બે દિવસ પહેલા પ્રસિદ્ધ કરવાની રહેશે.
પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ અંતર્ગત રાજયની ૧૮૨ સીટોવાળી વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ૧ ડિસેમ્‍બરે મતદાન થશે. જયારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર ૫ ડિસેમ્‍બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ૮ ડિસેમ્‍બરે મતગણતરી થશે. પહાડી રાજયમાં ૧૨ નવેમ્‍બરે મતદાન થશે.

 

(12:00 am IST)