Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

૮૬ ટકા લોકો દુકાનોમાંથી કરિયાણાની ખરીદી કરે છેઃ બે ટકા લોકો ઓનલાઈન લે છે

૧૭% ગ્રાહકો કરિયાણાની ખરીદી માટે એમેઝોનનો ઉપયોગ કરે છે જયારે ૧૫% ફિલપકાર્ટનો ઉપયોગ કરે છેઃ ૮ ટકા લોકો Jio માર્ટમાંથી ખરીદી કરે છે : એક્‍સિસ માય ઇન્‍ડિયાએ ૧૦,૨૦૭ લોકો સાથે એક સર્વે કર્યો હતોઃ તેમાંથી ૭૦ ટકા લોકો ગામડાના અને ૩૦ ટકા લોકો શહેરોના હતાઃ જેમાં ૫૬ ટકા પુરૂષો હતા જયારે ૪૪ ટકા મહિલાઓ હતી

નવી દિલ્‍હી,તા.૩: ઓનલાઈન અને ઈ-કોમર્સ વધવા છતાં, દેશમાં ૮૬ ટકા લોકો સ્‍થાનિક કરિયાણાની દુકાનોમાંથી સામાન ખરીદવાનું પસંદ કરે છે. માત્ર બે ટકા લોકો જ ઓનલાઈનનો આશરો લે છે. ઓનલાઈન એપ્‍સમાં, ૧૭% ગ્રાહકો કરિયાણાની ખરીદી માટે એમેઝોનનો ઉપયોગ કરે છે જયારે ૧૫% ફિલપકાર્ટનો ઉપયોગ કરે છે. ૮ ટકા લોકો Jio માર્ટમાંથી ખરીદી કરે છે.

એક્‍સિસ માય ઇન્‍ડિયાએ ૧૦,૨૦૭ લોકો સાથે એક સર્વે કર્યો હતો. તેમાંથી ૭૦ ટકા લોકો ગામડાના અને ૩૦ ટકા લોકો શહેરોના હતા. જેમાં ૫૬ ટકા પુરૂષો હતા જયારે ૪૪ ટકા મહિલાઓ હતી. એક્‍સિસ માય ઈન્‍ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્‍ટર પ્રદીપ ગુપ્તાએ જણાવ્‍યું હતું કે, ‘ભારતની સ્‍થિર આર્થિક વૃદ્ધિ અને ભાવમાં ઘટાડો થવાના સંકેતોએ ગ્રાહકના વિશ્વાસમાં સુધારો કર્યો છે. મહિનાઓ સુધી ચાલનારા ઉત્‍સવોએ આ ભાવનાને વધારવાનું કામ કર્યું છે. ૩૯ ટકા પરિવારો માટે વિટામિન્‍સ, ટેસ્‍ટ, હેલ્‍ધી ફૂડ જેવા સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત ખર્ચમાં વધારો થયો છે.

૨૯% ગ્રાહકો પહેલેથી જ વધુ ખરીદી કરી ચૂક્‍યા છે અથવા આ તહેવારોની સિઝનમાં વધુ ખરીદી કરવાનું વિચારી રહ્યા છે. ૩૭ ટકા લોકોએ વેચાણની સિઝન દરમિયાન વધુ કપડાં ખરીદવાનું પસંદ કર્યું, જયારે ૨૩ ટકા અને ૧૪ ટકાએ અનુક્રમે કરિયાણા અને ખાદ્યપદાર્થો ખરીદવાનું પસંદ કર્યું.

સપ્‍ટેમ્‍બર અર્ધવાર્ષિક ગાળામાં ઘઉંની નિકાસ વાર્ષિક ધોરણે બમણી થઈને $૧.૪૮ અબજ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં નિકાસ ઼૬૩ મિલિયન હતી. જોકે સરકારે મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્‍યો હતો, પરંતુ ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા ઘઉંની માંગ કરતા કેટલાક દેશોને નિકાસની છૂટ છે. વાણિજય મંત્રાલયે જણાવ્‍યું હતું કે યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક ઘઉંનો પુરવઠો ગંભીર રીતે ખોરવાઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન કૃષિ અને પ્રોસેસ્‍ડ ફૂડ પ્રોડક્‍ટ્‍સની નિકાસમાં ૨૫ ટકાનો વધારો થયો છે. 

(12:00 am IST)