Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

હું ઝિમ્‍બાબ્‍વેના છોકરા સાથે લગ્ન કરીશઃ પાકિસ્‍તાની અભિનેત્રી રઘવાયી થઇ

ઝિમ્‍બાબ્‍વે ભારતને હરાવશે તો

કરાંચી,તા.૪ : ભારતીય ક્રિકેટ ટીમ ટી-૨૦ વર્લ્‍ડ કપ સુપર ૧૨ની ૪૨મી મેચમાં ઝિમ્‍બાબ્‍વે સામે ટકરાશે. આ મેચ રવિવારે (૬ નવેમ્‍બર) મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર રમાશે. આ મેચ માટે ટીમ ઈન્‍ડિયા ગુરુવારે મેલબોર્ન પહોંચી હતી. રોહિત શર્મા એન્‍ડ કંપની શુક્રવારે પ્રેક્‍ટિસ માટે મેદાન પર ઉતરશે. ભારત અને ઝિમ્‍બાબ્‍વે મેચને લઈને પાકિસ્‍તાની અભિનેત્રી સેહર શિનવારીનું એક ટ્‍વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

સેહર શિનવારીએ પોતાના ઓફિશિયલ ટ્‍વિટર હેન્‍ડલ પર લખ્‍યું, ‘હું ઝિમ્‍બાબ્‍વેના છોકરા સાથે લગ્ન કરીશ. જો આગામી મેચમાં ઝિમ્‍બાબ્‍વેની ટીમ ચમત્‍કારિક રીતે ભારતને હરાવશે. ભારતીય ટીમે ૪માંથી ત્રણ મેચ જીતી છે. ટીમ ઈન્‍ડિયાના ૬ પોઈન્‍ટ છે અને તે ગ્રુપ ૨ના પોઈન્‍ટ ટેબલમાં નંબર વન પર છે. ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્‍તાનને હરાવ્‍યું હતું જયારે બીજી મેચમાં તેણે નેધરલેન્‍ડને હરાવ્‍યું હતું. ત્રીજી મેચમાં ભારતને સાઉથ આફ્રિકાએ હરાવ્‍યું હતું જયારે ચોથી મેચમાં ભારતે બાંગ્‍લાદેશને હરાવીને સેમિફાઇનલની ઉંબરે પહોંચી હતી.

બીજી તરફ પાકિસ્‍તાનની ટીમે વર્તમાન વર્લ્‍ડ કપમાં બે જીત સાથે સેમિફાઇનલ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. પાકિસ્‍તાનના ચાર પોઈન્‍ટ છે અને તે ગ્રુપ ૨ના પોઈન્‍ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. સુપર ૧૨માં ઝિમ્‍બાબ્‍વેની ટીમે પાકિસ્‍તાનને હરાવ્‍યું છે. આવી સ્‍થિતિમાં ટીમ ઈન્‍ડિયાએ તેની સાથે સાવધાની રાખવી પડશે.

તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ પાકિસ્‍તાનની આ અભિનેત્રીએ ટ્‍વિટ કરીને લખ્‍યું હતું કે ‘અલ્લાહ કરે કે ભારતની ટીમ ઝિમ્‍બાબ્‍વે અને બાંગ્‍લાદેશ સામે પણ હારી જાય. પછી મારા હૃદયને શાંતિ મળશે.' પાકિસ્‍તાની અભિનેત્રીના આ ટ્‍વિટ પર અફઘાન હસીના વજમા અયુબી ભારતના સમર્થનમાં આવી હતી. સહર શિનવારીના ટ્‍વીટનો જવાબ આપતા વજમાએ લખ્‍યું કે ‘અલ્લાહ ભારત વર્લ્‍ડકપ જીતી જાય ઈન્‍શાઅલ્લાહ.'

(11:35 am IST)