Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

કયા પક્ષની કેવી તૈયારી ? જંગ જીતવા તમામ પક્ષો વ્‍યુહરચનામાં વ્‍યસ્‍ત

કેન્‍દ્રીય નેતા રાજ્‍યમાં નાખશે ધામા : સ્‍ટાર પ્રચારકો સંભાળશે પ્રચાર કમાન : ચૂંટણીને પગલે ભાજપે પ્રભારીઓની ૩ દિવસ સુધી ચાલનારી મહત્‍વની બેઠક પણ શરૂ કરી દીધી છે : તો બીજી તરફ કોંગ્રેસ પણ પ્રચારની રણનીતિ ઘડી કાઢી છે : જે મુજબ સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓ આગામી દિવસોમાં ગુજરાતમાં ધામા નાખશે

નવી દિલ્‍હી,તા. ૪ : ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ભાજપે સક્રિયતા વધારી દીધી છે. ભાજપની બેઠકમાં ૩૩ જિલ્લા દીઠ ભાજપના ઉમેદવાર અંગે ચર્ચા કરવાનો તેમજ જિલ્લા અને શહેરી વિસ્‍તારના ઉમેદવારોના નામ માટે મંથન કરવામાં આવશે. હવે ચૂંટણી આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્‍યારે ભાજપ આ બધું યુદ્ધના ધોરણે આટોપવા તૈયાર થઈ ગયો છે.આ બેઠક બાદ સંગઠનના હોદ્દેદારો સાથે પણ પ્રભારીઓ બેઠક કરીને આગળની રણનીતિ ઘડશે. જો કે આ બધા વચ્‍ચે ગુજરાત ભાજપ નેતાઓ પોતાની જીતનો આશાવાદ વ્‍યક્‍ત કરી રહ્યા છે.

આ ઉપરાંત ભાજપે બીજી વધુ કવાયત હાથ ધરતાં,  રાજયના ૨૦ જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને પણ જવાબદારી સોંપી છે.ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારો, સાંસદો અને અન્‍ય રાજયના મંત્રીઓને પણ વિવિધ મતવિસ્‍તારની  જવાબદારી સોંપાઈ છે. આથી હવે મધ્‍યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બનાસકાંઠામાં તો વિનોદ તાવડે વડોદરામાં, અરવિંદ ભદોરિયા ભરૂચમાં અને નીતિન નવીન સુરત જિલ્લામાં ચૂંટણી પૂરી થાય ત્‍યાં સુધી અડિંગો જમાવી રાખશે.

તો આ તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસે પણ પ્રચારની રણનીતિ ઘડી કાઢી છે. જે મુજબ સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓ આગામી દિવસોમાં ગુજરાતમાં ધામા નાખશે. ગુજરાત ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસનું કેન્‍દ્રીય મોવડી મંડળ પણ જોડાશે. ગુજરાત કોંગ્રેસ નેતા લલિત કગથરાનું કહેવું છે કે કોંગ્રેસ ફૂલ તૈયારીમાં છે. કોંગ્રેસના સ્‍ટાર પ્રચારકો આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રચાર કરતા જોવા મળશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અને ડો.મનમોહન સિંહ, અશોક ગેહલોત, ભૂપેશ બધેલ જેવા વરિષ્ઠ નેતાઓ પણ ગુજરાત કોંગ્રસની પ્રચાર કમાન સંભાળશે.ત્‍યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને પ્રભારી રઘુ શર્માએ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની જીતનો આશાવાદ વ્‍યક્‍ત કર્યો છે. આમ, તમામ પક્ષો ચૂંટણી લડવા માટે સજ્જ થઈ ગયા છે. તમામ પક્ષો પોતાની મહેનત અને આ વખતે ઊભા થયેલા સંજોગોમાં પોતાની જીતનો આશાવાદ સેવી રહ્યા છે ત્‍યારે જોવાનું એ રહેશે કે, જનતા કોની પડખે ઊભી રહે છે.

(11:35 am IST)