Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

કાલથી નગારે ઘા : ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ

૧લી તારીખે સૌરાષ્ટ્ર - કચ્છની ૮૯ બેઠકો માટે યોજાનારા મતદાન માટે કાલે બહાર પડશે જાહેરનામુ : ૧૪મી સુધી ફોર્મ ભરી શકાશે : સૌરાષ્ટ્ર - કચ્છની ૫૪ બેઠકો માટે ૧.૩૫ કરોડ મતદારો કરશે મતદાન : ત્રિપાંખિયો જંગ ખેલાશે : સત્તાના સિંહાસન માટે સૌરાષ્ટ્ર બનશે નિર્ણાયક

નવી દિલ્હી, તા.૪: લોકશાહીના સૌથી મોટા સંગ્રામ માટેનો ગઇકાલે શંખનાદ થયા બાદ હવે સૌરાષ્ટ્ર - કચ્છ સહિત સમગ્ર ગુજરાત આવતા મહિનાની પાંચ તારીખ સુધી ચૂંટણીના રંગે રંગાશે. ચૂંટણીની જાહેરાત સાથે કડક આચારસંહિતા પણ અમલી બની ગઇ છે. પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્ર - કચ્છ અને દ.ગુજરાતની ૮૯ બેઠકો માટે તા.૧લી ડીસેમ્બરે મતદાન યોજાશે. આ માટેનું જાહેરનામું આવતીકાલે પ્રસિધ્ધ થશે અને એ સાથે જ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પણ શરૂ જશે. ચૂંટણીના કાર્યક્રમ અનુસાર ૧૪મી સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. એટલે કે આગામી ૧૦ દિવસ રાજકીય ધમધમાટ જોવા મળશે. ૧૫મીએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને ૧૭મીએ ફોર્મ પરત ખેંચી શકાશે એ દિવસે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
પ્રથમ તબક્કામાં સોરાષ્ટ્રની ૪૮, કચ્છની ૬ તથા દ.ગુજરાતની ૩૫ બેઠકો માટે ૧લી ડિસેમ્બરે મતદાન યોજાશે. કુલ ૮૯ બેઠકો માટે મતદાન થશે. સૌરાષ્ટ્ર - કચ્છની વાત કરીએ તો ૫૪ બેઠકો માટ  ૧.૩૫ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતે સૌરાષ્ટ્રમાં 'આપ' મેદાનમાં હોવાથી ત્રિપાંખીયો જંગ ખેલાશે. ગાંધીનગરની ગાદી માટે સૌરાષ્ટ્રની બેઠકો નિર્ણાયક હોઇ તમામ પક્ષો પોતાની પૂરેપૂરી તાકાત કામે લગાડશે. ગયા વખતનું ગાબડુ પુરવા ભાજપનો મક્કમ નિર્ધાર છે તો આપ પરિવર્તનનો ઝંડો લઇને પ્રચારમાં ઉતરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વિસ્તાર પર સૌ કોઇની નજર રહે છે. એની પાછળના ઘણા કારણો છે એક કારણ એ છે કે સૌરાષ્ટ્રમાં પાટીદાર અને કોળી સમાજ મોટા ભાગની બેઠકો પર અસર કરે છે. જેમાં સૌરાષ્ટ્રની ૨૦થી વધુ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતની ૫૦ બેઠક પર પાટીદારોની સીધી અસર છે. એમ પણ સૌરાષ્ટ્રને પાટીદારોનું એપી સેન્ટર ગણવામાં આવે છે. ગુજરાત  વિધાનસભાની ચૂંટણીમાં દર વખતે પાટીદારોનું વલણ અગત્યનું ગણાય છે. જે ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યુ હતું કારણ કે વર્ષ ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પરિણામો પર એક નજર રાખીએ તો સૌરાષ્ટ્રની ૪૮ બેઠકો પરથી ભાજપના ૧૮ ઉમેદવારો અને કોંગ્રેસના ૩૦ ઉમેદવારો ચૂંટણી જીતીને ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે. અમરેલી, મોરબી અને સોમનાથ જિલ્લાની એક પણ બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી ન હતી. જુનાગઢની પમાંથી ફકત એક જ કેશોદ બેઠક પર ભાજપ જીત્યો હતો. રાજકોટની ૮ પૈકીની ૬ બેઠક પર ભાજપનો વિજય થયો છે. તેવી જ રીતે ભાવનગર શહેરની ૭ પૈકી ૬ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આ પરિણામોથી સ્પષ્ટ તારણ મેળવી શકાય છે કે ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો શહેરી મતદારો પર અને કોંગ્રેસનો ગ્રામ્ય મતદારો પર દબદબો હતો.
જેના કારણે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌરાષ્ટ્ર સારો દેખાવ કરી શકે તે માટે તેમણે ગ્રામ્ય વિસ્તાર પર પણ ભાર મુકયો હતો. ભાજપની જીતનો ચહેરો ગણાતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સૌરાષ્ટ્રની ચાર મુલાકાતમાંથી બેે મુલાકાત ગ્રામ્ય વિસ્તારમાં થઇ છે. તાજેતરમાં જ વડાપ્રધાને આટકોટ, જામકંડોરણા, જામનગર અને રાજકોટમાં સભા સંબોધી હતી. તેવી જ રીતે આ વખતે ત્રીજ પક્ષ તરીકે ગુજરાતમાં આવનાર આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં સભાઓ સંબોધી છે. કોંગ્રેસ પણ ગત વિધાનસભા જેવું સૌરાષ્ટ્રમાં પરિણામ મળી રહે તે માટેના તમામ પ્રયત્નો કરી રહી છે.

 

(11:33 am IST)