Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ઈસ્‍લામાબાદમાં લોકડાઉનઃ પાકિસ્‍તાનના અનેક શહેરોમાં ભારેલો અગ્નિ

ઈમરાન ખાન પર હુમલા બાદ પાકિસ્‍તાનમાં પરિસ્‍થિતિ બગડી

ઇસ્‍લામાબાદ, તા.૪: પાકિસ્‍તાનમાં સતત બગડતી પરિસ્‍થિતિના કારણે શાહબાઝ શરીફ સરકાર સખત ગભરાઈ છે અને આખા દેશમાં સતત પરિસ્‍થિતિ બગડી રહી છે, જેને જોતાં હવે ઈસ્‍લામાબાદમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્‍યું છે.

પાકિસ્‍તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર કરવામાં આવેલ હુમલા મામલે સમગ્ર દેશમાં પરિસ્‍થિતિ ભયંકર થઈ ગઈ છે. હજુ પરિસ્‍થિતિ ગળહયુદ્ધ જેવી થઈ જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.  ઈમરાન ખાન પાકિસ્‍તાનની હાલની સરકાર તથા સેના બંને પર આકરા પ્રહારો કરી રહ્યા છે, તેમની સરકાર પાડવામાં આવી ત્‍યારથી જ તેઓ આક્રમક થઈ ગયા છે ત્‍યારે ગઇકાલે એક સભા દરમિયાન તેમના પર ફાયરિંગ કરીને હુમલો કરવામાં આવ્‍યો જેમાં ઈજાગ્રસ્‍ત થઈ ગયા હતા.

ઈમરાન ખાન પાકિસ્‍તાનમાં ચૂંટણી પહેલા પોતાના માટે માહોલ તૈયાર કરવા માટે સતત આ પ્રકારની જનસભા કરી રહ્યા હતા પણ બાદમાં તેમના પર ચૂંટણી લડવા પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો જે બાદ પરિસ્‍થિતિ વધારે બગડી અને હવે આ પ્રકારે હુમલા બાદ તો પરિસ્‍થિતિ સરકારના હાથમાંથી નીકળતી હોય તેવું દેખાઈ રહ્યું છે. સૌથી મોટી આશંકા એ છે કે શું શાહબાઝ શરીફની સરકાર આ બગડતી પરિસ્‍થિતિને સંભાળી શકશે કે નહીં ?

વર્તમાન પરિસ્‍થિતિને જોતાં એવું પણ બની શકે છે કે દેશની સત્તા સેના પોતાના હાથમાં લઈ લે. પાકિસ્‍તાનમાં માર્શલ લૉ લગાવવા જેવા ઉપાય અપનાવી શકાય છે કે અને થોડા સમય માટે સેના ફરીથી દેશ પર રાજ કરતી થઈ જશે.

(11:47 am IST)